નહિ, પણ એ સિવાય કોઈ બીજો ગુરુ છે જ નહિ, ભૂતમાં થયો નહોતો અને ભવિષ્યમાં થશેયે નહિ; તેના નામની અને શ્રદ્ધાની નૌકા એવી છે કે પછી અનુયાયીને કશું કરવાપણું જ રહેતું નથી; તેના જન્મ પહેલાં કોઈનો અંતિમ મોક્ષ થયો નહોતો, અને હવે પછીયે તેના સ્વીકાર વિના કોઈનો અંતિમ મોક્ષ થઈ શકવાનો નથી,'- ત્યારે તે મૂઢ બની મૂઢતાનો જ પ્રચાર કરવા મંડી પડે છે.
વસ્તુતઃ ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી, પરમ ધામ (સ્વર્ગ) કોઈ એવું સ્થાન નથી, અને મોક્ષ કોઈ એવી સ્થિતિ નથી કે જેને મરીને પામવાનું હોય, અને જેને પામવા માટે કોઈ આપણી ઓળખાણ કરાવનાર અને ખાતરી આપનાર દરમિયાનગારની જરૂર હોય. શાસ્ત્રકારોએ તથા કાવ્યપ્રેમી સંતોએ અને ગુરુઓએ એવો ખ્યાલ ઉપજાવનારાં રૂપકો રચીને એક એવી શબ્દમાયા નિર્માણ કરી મૂકી છે કે, સાધકને ઈશ્વર રચિત સંસારની માયા તરી જવા કરતાં એ શાસ્ત્ર-રચિત માયા તરવી વધારે કઠણ થઈ પડે છે. 'ઈશ્વરનું ધામ-મંદિર-તારી અંદર જ છે,' 'ઈશ્વરને તારા હ્રદયમાં જ ખોળ,' 'હું અને ઈશ્વર જુદા નથી,' 'ઈશ્વર, ઈશ્વરપુત્ર અને આત્મા ત્રણે એક જ છે,' એવા શબ્દો તેમણે પોતે કહ્યા હોય, તોયે પેલાં સ્થૂળ વર્ણનોને હઠાવી શકવા તે અસમર્થ નીવડે છે.
'કયામતને દિવસે ઈશ્વર ન્યાય કરશે, અને તે વખતે હું જેનો સ્વીકાર કરીશ (અથવા જેણે મારો સ્વીકાર કર્યો હશે) તેમને સ્વર્ગ મળશે, અને જેનો હું ઈન્કાર કરીશ (અથવા