આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાઓત્ઝે વગેરે અનેક ધર્માત્માઓ પૃથ્વીતળ પર થઈ ગયા. તેમના પોતાના કે તેમને લગતા અનેક મહાન ગ્રંથો આપણા હાથમાં રહ્યા છે. એ ગ્રંથોમાં મનુષ્યજાતિને હંમેશ માટે ઉપયોગની વિવિધ સામગ્રી પડી છે. એમાં કેટલાંક સનાતન સત્યો અને સિદ્ધાંતોનું નિરૂપણ છે. કેટલીક તે કાળના સમાજને ઉપયોગી વસ્તુઓ પણ છે. દરેકમાં કાંઈક ને કાંઈક ભૂલભરેલા સિદ્ધાંતો અને ઉપદેશો પણ છે. દરેક ધર્માત્મા તેમ જ દરેક ગ્રંથના ગુણ અને દોષોમાં કાંઈ કાંઈ વિશેષતા પણ છે. આપણે માટે એ સર્વે આદરપાત્ર છે. એટલે કે આદરપૂર્વક વિચાર કરવા યોગ્ય છે. પણ એમાંથી એકેય એવા ન કહી શકાય કે એમના જીવન કે વિચારમાં કશું અગ્રાહ્ય ન જ હોય.

ઈશ્વરોપાસકે એ સર્વેને વિષે આદરબુદ્ધિ રાખવી. મનુષ્યની ઉત્તમ પ્રકૃતિ પણ એક પ્રકારની નથી. હીન પ્રકૃતિ પણ એક પ્રકારની નથી. આ ધર્માત્માઓને ઉત્તમ પ્રકૃતિના વિવિધ નમૂનાઓ કહી શકાય. ઉપાસકને તેમાંનો જે કોઈ નમૂનો પોતાને વધારેમાં વધારે અનુકૂળ લાગે, તેના જીવન અને ગ્રંથોનું તે વારંવાર ચિંતન કરે, અનુસરણ કરે અને તેમાંથી પ્રેરણા મેળવે. પણ તે માટે તેને તે પુરુષને વિષે ઈશ્વર, પ્રતિનિધિ કે પયંગબર બુદ્ધિ કે તેના ગ્રંથને ઈશ્વરીવાણી માનવાની જરૂર નથી. તેને પોતાની અને ઈશ્વરની વચ્ચેનો કોઈ જાતનો દરમિયાનગાર માનવાની જરૂર નથી. એ ધર્માત્માના જીવનકાળમાં ઈશ્વર આપણી નિકટ આપણને લાગે છે તે કરતાં તેની વધારે નજીક ભલે રહ્યો હોય. પણ આજે તો ઈશ્વર તેની નિકટ છે તેની કરતાં આપણને ગમે તેવા