ઈશ્વર આપણી વધારે નિકટ છે એમ કહેવું એ પણ એમ કહેનારની કલ્પનાને જ સ્વીકારવાનું નથી શું? આપણને (પામર માણસને) તો ઈશ્વરના અસ્તિત્વનોયે ક્યાં અનુભવ છે? કલ્પનાથી, ચરિત્રો દ્વારા, પેલા ધર્માત્માઓની તો કાંઈ પણ મૂર્તિ ખડી કરી શકીએ છીએ. પણ ઈશ્વર વિષે તો કાંઈ કલ્પનાયે કરી શકાતી નથી. ત્યારે ધર્માત્માની સાથે ઈશ્વરનેયે બાજુ પર મૂકી દેવાનો સીધો માર્ગ જ કાં ન લેવો? શું કામ માત્ર સારી સોબત, સારો આચાર, સારાં કર્મ અને પરસ્પર પ્રેમ, બીજા માટે ઘસાવું, બીજાને સેવા કરવી, સમાજ સાથે ન્યાય અને નીતિનો વ્યવહાર રાખવો, વગેરે શુદ્ધ ધર્મ મનુષ્યધર્મ પાળીને સંતુષ્ટ ન રહેવું?
વાત ઘણી સાચી છે. ઈશ્વરની કે આત્માની સર્વ શોધખોળ કર્યા પછીયે એથી બીજો કોઈ મોટો જીવનમાર્ગ છે જ નહિ. પણ મનુષ્યનો શુદ્ધ ધર્મ શો અને તે ધર્મનું પાલન કરવાનું પ્રયોજન શું તે સમજ્યા વિના તેને તૃપ્તિ નથી થતી. શા માટે ઉપર કહ્યો તે જ શુદ્ધ મનુષ્યધર્મ, અને શા માટે સુખથી જીવવું અને ભોગવવું અને તે પ્રાપ્ત કરવા બધા ઉપાયો અજમાવવા એટલો જ મનુષ્યધર્મ નહિ? આમ જ્યાં જીવનના પ્રયોજનનો વિચાર કરવા તે બેસે છે. ત્યાં હું કોણ અને જગત શું એ સવાલ ઊભો થાય છે અને તેમાંથી ઈશ્વર અને આત્માની શોધ નિર્માણ થાય છે. અને એ શોધની ઈંતેજારીમાંથી જ ભક્તિ, યોગ, કર્મ વગેરે ઉદ્ભવે છે. આમ 'ઈશ્વર' - એટલે કે પોતાના તેમ જ સર્વ જગતના મૂળમાં રહેલા આદિતત્ત્વને સૂચવનારો એ અથવા