આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યહૂદીઓ

यहूदीओनी
प्राचीनता

યહૂદી પ્રજા પૃથ્વીતળની જૂની પ્રજાઓમાંની એક છે. શરીરરચનાની દૃષ્ટિએ તેઓ અરબોની જેમ સેમેટિક જાતિના ગણાય છે. એક કાળે તેઓ બહુ સમૃદ્ધ હતા. તેમની રાજકીય અને સામાજિક રચના વ્યવસ્થિત અને બહોળી હતી. તેમનું રાજ્ય મિસર (ઇજિપ્ત), અરબસ્તાન અને ઈરાન સુધી પહોંચેલું હતું. દાવીદ (દાઉદ) અને શલોમો (સુલેમાન) જેવા રાજાઓનાં શાસન અને નીતિ, થતા મોશે (મૂસા) વગેરે સ્મૃતિકારોના ધાર્મિક થતા સામાજિક નિયમોને માત્ર યહૂદી લોકોએ જ નહિ, પણ આજુબાજુની અન્ય પ્રજાઓએ પણ પ્રમાણરૂપ માન્યાં હતાં. ખ્રિસ્તી પ્રજાઓ ઉપર તેમની સારી પેઠે છાપ રહેલી છે.



पडती

પણ વિક્રમ સંવતની શરૂઆતના કાળમાં આ પ્રજા છેક પડતીની હાલતમાં આવી ગઈ હતી. તેમનો એક રાજા હતો ખરો. પણ તેની સત્તા આપણા દેશી રાજાઓના જેવી હતી. એટલે કે, પોતાની પ્રજા ઉપર જુલમ કરવાની અને રોમના સૂબાઓની ગુલામગીરી કરવાની તેમને છૂટ હતી. વિક્રમ સંવતના પ્રારંભકાળે તો તે રાજા યહૂદીયે નહોતો. યહૂદી કન્યા સાથે પરણેલો હતો, તેટલો જ તેનો યહૂદીઓથી સંબંધ હતો. તેને રોમના સમ્રાટને નજરાણું મોકલવું પડતું, અને તેની પ્રજાને સામ્રાજ્ય માટે કર ભરવા પડતા. ભારે શિક્ષા કરવાનો તેને અધિકાર નહોતો.