આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮

ઈશુ ખ્રિસ્ત

છે, એવું દરેક સાધુપુરુષના જીવનનો અભ્યાસ કરતાં માલૂમ પડી આવશે. પોતા દ્વારા થયેલા અથવા પોતામાં આરોપાતા ચમત્કારો માટે કોઈ સંતોને મોહ નથી થતો, અને એ ચમત્કારો બંધ પડે એવી જ એમની વૃત્તિ હોય છે. આનું કારણ સ્પષ્ટ છે. ચમત્કારોની વાતો સ્થૂળ પદાર્થોમાં જ ફેરફાર થતો દેખાડે છે. આંધળાઓને આંખો આપી શકાય અને લંગડાને ચાલતો કરી શકાય; બે રોટલીથી બસેં માણસને જમાડી શકાય અને રણ વચ્ચે પાણી વહેવડાવી શકાય તેથી શું ? એ ચમત્કારોથી જે સુખ થાય છે તે ટકે એવું નથી હોતું. એથી જેને એ પ્રાપ્ત થાય એ શાન્તિ ભોગવે અથવા પુણ્યશીલ થાય એમ પણ ખાતરી નથી. મૂએલાને જીવતો કરે તેને પણ પાછું મરવું તો પડે જ છે. સંતોને એ સુખ આપવામાં શો રસ લાગે ? પાપીને પુણ્યશાળી બનાવવાની, તૃષ્ણાવાનને વૈરાગ્યશીલ બનાવવાની, લોભીને સંતોષી બનાવવાની, વિષયીને નિષ્કામ કરવાની જો કોઈ તત્કાળ ફળ આપનારી કરામત હોય તો સંતો એ સિદ્ધિને ખુશીથી સ્વીકારે. પણ એ વૃત્તિઓને નિર્માણ કરવાનો કોઈ ચમત્કારિક ઇલાજ હજુ સુધી સંતોને હાથ લાગ્યો જણાતો નથી. એને માટે તો સંતોકેવળ ખાતર અને પાણીની ગરજ સારી શકે છે. જ્યાં એ વૃત્તિ મૂળમાં હોય ત્યાં તેને પોષણ આપી શકે છે, વધારી શકે છે; યોગ્ય ક્ષેત્રમાં એનું બીજ પણ નાખી શકે છે. પણ જ્યાં એ વૃત્તિ જ ન હોય અને ક્ષેત્ર અનુકૂળ ન હોય ત્યાં એમનો ઇલાજ ચાલતો નથી. એ વિચારીને જ સંતો અન્ય ચમત્કારો પ્રત્યે ઉદાસીન થઈ જાય છે. ઈશુ ખ્રિસ્તનું જીવન પણ એ જ સાક્ષી પૂરે છે.