આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧

પ્રવૃત્તિ

ખમાયું નહીં. એણે તે લોકોને બહાર હાંકી કાઢ્યા! તેને આમ કરવાનો શો અધિકાર છે એમ કેટલાકે પૂછ્યું, તેણે જવાબ આપ્યો : "આ મંદિર તમે તોડી નાંખો તો ત્રણ દિવસમાં હું નવું મંદિર કરવા શક્તિ ધરાવું છું." (અર્થાત્, એ મારે આ લોકોને હાંકી કાઢવાનો અધિકાર છે,) આનો ભાવાર્થ એ હતો કે મંદિર ઈશ્વરના ભકતનું છે, અને દરેક ભક્તને એમાંથી પાપને ધોઈ નાખવાનો અધિકાર છે. ઈંટ અને ચૂનાનું ચણતર તે કાંઈ મંદિર નથી. તેની અંદર જળવાયેલી પવિત્રતા એ જ મંદિર છે. ચણતર પડી જાય તો ભક્ત પોતાના હૃદયમાં રહેલી પવિત્રતાના મસાલાથી તત્કાળ બીજું મંદિર ઊભું કરી શકે. પણ આ શબ્દો પૂજારીઓએ મંદિરના ઘોર તિરસ્કાર રૂપે લીધા, અને ઈશુ સામેના આરોપોમાં એ મહત્ત્વના બન્યા.

विरोधवृद्धि

શરૂઆતમાં ઈશુએ યહૂદિયા તાલુકામાં ઉઅપદેશ કરવા માંડ્યો હતો. યોહાન પણ એ જ તાલુકામાં ઉપદેશ કરતો હતો. બન્નેની ચળવળ યહૂદીઓમાં નવજીવન પ્રેરી રહી હતી. પડેલી પ્રજામાં નવજીવન પેદા થાય તેથી રાજ્યકર્તાઓ તથા પુરાણપ્રિય વર્ગો ગભરાઈ ઊઠે છે. ઈશુના ચમત્કારોએ તે ગભરાટમાં ઉમેરો કર્યો. ઈશુએ શરૂઆતમાં તો યહૂદીઓમાં જ કામ કરવાનો વિચાર સેવેલો જણાય છે. પણ પાછળથી તેની દૃષ્ટિ વિશાળ થતી ગઈ, અને એવો અનુભવ થયો કે અ-યહૂદી લોકોમાં તેના ઉપદેશને વધારે આદર આપવા ઉત્સુકતા હતી. આથી, પછી તે સર્વે જાતિઓને ભેદભાવ વિના દીક્ષા આપવા લાગ્યો. યહૂદીઓના કર્મકાંડની તે અને