આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રવૃત્તિ (ચાલુ)
पतितपावनता

ઈશુના ઉપદેશની કુમાર્ગે ગયેલી સ્ત્રીઓ પર કેટલી અસર થતી હતી, અને તેનું હૃદય એમના પ્રતિ કેટલા દયાભાવથી છલકાતું હતું એનું એક દૃષ્ટાંત છે :


कुलटानो उद्धार

એક વાર ઈશુને એક ફૅરિસીએ જમવાનું નોતરું દીધું. તે સ્વીકારી ઈશુ એને ત્યાં જમવા ગયો. સર્વે જમતા હતા, એટલામાં એક હલકો ધંધો કરનારી સ્ત્રી આવી અને ઈશુના ચરણને આંસુવડે ધોવા લાગી. પછી પોતાના વાળથી જ પગને લૂછી નાખ્યા અને એને સુવાસિક લગાડ્યું. આ સ્ર્વ જોઇને યજમાનને શંકા થઈ કે આ ઈશુ પેગમ્બર મનાય છે, પણ જો એ ખરો પેગમ્બર હોય્ તો આ સ્ત્રી કેવી ચાલની છે તેની એને ખબર હોય, અને એને એ પોતાના પગને અડવા દે નહિ. ઈશુ એના હૃદયના કુતર્કને સમજી ગયો અને એને સમજાવવાના ઉદ્દેશથી બોલ્યો:

लेणदारनुं दृष्टांत

"સાયમન, ધારો કે એક માણસના બે દેવાદાર છે. એકની પાસે પાંચસોનું લેણું છે અને બીજાની પાસે પચાસનું છે. બન્ને નાદાર થઇ ગયા છે જાણી એ બન્નેનું દેવું માફ કરે તો એના પ્રતિ કોણ વધારે કૃતજ્ઞ થાય ?" સાયમને કહ્યું, "પાંચસોનો દેવાદાર."