આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માન આપી વ્યવહારકુશળતાની દૃષ્ટિએ, લોક અથવા શાસ્ત્રે સત્ય, ન્યાય ઇત્યાદિ ઉપર પણ જે મર્યાદા બાંધી દીધી હોય છે તે મર્યાદામાં એ બંધાઈ રહેતો નથી; અને એ મર્યાદા ઉલ્લંઘવા માટે વ્યવહારબદ્ધ લોકો તેની અપકીર્તિ, ઠેકડી કે નિંદા કરે તેને તે ગણકારતો નથી તથા તેટલા પૂરતો શાસ્ત્રો પ્રતિ પણ ઉદાસીન થાય છે. સ્વચ્છંદી મનુષ્ય તો નીતિઅનીતિને માનતો જ નથી; સત્ય, અહિંસા, દયા, ક્ષમા, ઇંદ્રિયજય ઇત્યાદી વૃત્તિઓ માટે એને આદર કે પ્રેમ નથી; એ નાસ્તિક છે. લોકલજ્જા કે શાસ્ત્રોક્ત મર્યાદાઓનો - કોઈક વિશુદ્ધ પ્રેમવાળાનું અનુકરણ કરીને અથવા એનાં વચનો ટાંકીને પણ - એ ત્યાગ કરે તેમાં સમાજનું કલ્યાણ નથી. એ તો પાખંડ અને દંભને વધારવાવાળો છે. એથી ઉન્નતિની ઇચ્છાવાળાએ અત્યંત સાવધ રહેવું; એનો સંગ જ ન કરવો. એના કરતાં મર્યાદામાં રહેનારો હજાર દરજ્જે સારો. વિશુદ્ધ મનુષ્યનાં સત્યાદક સંપત્તિ અને ઇંદ્રિયજય લોકોએ સ્વીકારેલાં ધોરણ કરતાં ઊંચાં હોય, પણ નીચાં ન જ હોય. એ વિધિનિષેધનો ત્યાગ કરે તે માત્ર બાહ્ય ક્રિયાઓ અને રૂઢિઓના વિષયમાં, એ ખાસ ધ્યાન રાખવું. દંભને ઓળખવાની એ જ કસોટી છે.