આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માથે શત્રુઓનું વાદળ ઘેરાઈ રહ્યું હતું, છતાં એને જે સત્ય લાગ્યું તેનો યરુશાલેમના મન્દિરમાં જઈ ઉપદેશ કરવાનું એણે છેલ્લા દિવસ સુધી છોડ્યું નહિ. પેસાહ પર્વ શુક્રવારની સાંજે શરૂ થાય. ગુરુવારને દિવસે પણ એણે યરુશાલેમના મન્દિરમાં જઇ ઉપદેશ કર્યો. મન્દિરમાં ભરાતાં બજારને વળી ખાલી કરવા ફરમાવતો રહ્યો. એમ સમજાય છે કે, સદ્‍બુદ્ધિ અને સદ્દુદ્દેશ છતાં ઈશુની વાણીમાં તીખાશ વધતી જતી હતી.એનાથી પાપ સહન થતું ન હતું. પાખંડ જોઈને એનું હૈયું ઊકળી રહ્યું હતું, એ પણ તીખાશનું કારણ હોય. પણ તીખાશને લીધે કેટલેક અંશે એ સમભાવ ખોઈ બેઠો.

એનાં આવાં વર્તન માટે પૂજારીએ ઈશુ પાસે શાસ્ત્રનો આધાર માગ્યો. ઈશુએ જે જવાબ વાળ્યો તે એની આધ્યાત્મિક સ્થિતિને અનુસરીને હતો. એ શાસ્ત્રોનો શો આધાર આપે ? એના શુદ્ધ ચિત્તમાં જે સત્ય લાગતું હતું તે પ્રમાણે એ બોલતો હતો. પણ એની સ્થિતિ સમજવા જેટલી પૂજારીઓની શક્તિ જ ન હતી . એ તો દ્વેષથી ભરેલા હતા. ઈશુને એના જ શબ્દોથી કેમ ફસાવી શકાય એ જ તો શોધી રહ્યા હતા.એમની આગળ ઈશુની જ્ઞાનચર્ચા નકામી જ જતી હતી. છતાં એની લોકપ્રિયતાથી તેઓ ડરતા હતા, અને એને પકડવા ઉપાયો ખોળી રહ્યા હતા. એટલામં ઈશુનો શિષ્ય જ એમના હાથમાં ક્રૂસનું લાકડું થવાને ગયો.


ईशुनी पूजा

એક રાત્રે ઈશુ બૅથેનીમાં પોતાના યજમાનને ત્યાં બેઠો હતો, એટલામાં એક સ્ત્રીએ આવી સુગંધી અને મૂલ્યવાન અત્તર એના મસ્તક પર રેડ્યું અને ખૂબ ભાવથી પૂજા કરી.