ઈશુને મહાપૂજારી ઘેર લઈ ગયા. ત્યાં એકોતેરી સભા આગળ એના ઉપર મુકદમાનો ઢોંગ ચાલ્યો. એના શિષ્યો પૈકી માત્ર પિટર જ એ તપાસનું પરિણામ જોવા ગયો હતો. પરંતુ એ પણ અધિકારીઓમાં જઈને સગડીએ તાપવા બેસી ગયો હતો. ઘણી વારે બે સાક્ષીઓ ઈશુ સામે જુબાની આપવા ઊભા થયા. તેમણે કહ્યું કે, 'ઈશુએ કહેલું કે હું પ્રભુનું મંદિર તોડીને બીજું ત્રણ દિવસમાં નવું કરી શકું.' આ સાંભળી મહાપૂજારીએ ઈશુને પૂછ્યું, 'કેમ આ ખરું છે કે?' ઈશુએ કશો જવાબ આપ્યો નહિ.
ત્યારે મહાપૂજારીએ કહ્યું, 'હું તને ઈશ્વરની આણ આપીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપવા કહું છું. બોલ, તું શું ઈશ્વરનો અભિષિક્ત પુત્ર છે?'
ઈશુએ કહ્યું, ' તમારા શબ્દો સાચા છે. હવે તમે મને પ્રભુને જમણે હાથે બેઠેલા જોશો.'
આ સાંભળતાં જ મહાપૂજારી બોલી ઊઠ્યો, 'જુઠ્ઠો ! નિંદાખોર ! બસ, હવે વિશેષ સાક્ષીનું શું કામ છે ? એણે અહીં જ ઈશ્વરનો દ્રોહ કર્યો છે.'