આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


જો ખ્રિસ્તીભાઈઓ આવા વિશ્વાસપૂર્વક આ પુસ્તક વાંચશે તો તેમનેયે આ પુસ્તક ઉપયોગી જ માલૂમ પડશે, અને ધર્માન્તર કરાવવાની ભાંજગડમાં પડ્યા વિના ખ્રિસ્તીધર્મની વિશેષતાનો જગતને લાભ આપી શકશે. તેઓ પોતે પાર્થિક શ્રદ્ધાની સંકુચિતતામાંથી નીકળી જશે, અને છતાં સાચા અર્થમાં ખ્રિસ્તી ધર્મત્ત્વને રાખી શકશે. તેમને માટે હિંદુધર્મની જ્ઞાનદ્રષ્ટિની એટલી જ જરૂર છે, જેટલી હિંદુઓને ખ્રિસ્તીધર્મની માનવસેવા દ્વારા ઈશ્વરોપાસનાની. પણ એની હવે અહીં વધારે ચર્ચા કરવાની જરૂર નથી.

બાઈબલમાં આવતાં યહૂદી નામોના શુદ્ધ ઉચ્ચારો મેં એક યહૂદી સજ્જન ડૉ. એબ્રાહમ પાસેથી જાણ્યા છે. પણ અંગ્રેજી ઉચ્ચારોથી પરિચિત વાચકોને માટે છેવટે શબ્દસૂચિ આપી છે. આ ઉપરાંત બંગલૂરમાં રહેતા મારા એક મિત્ર શ્રી રાલ્ફ રિચર્ડ કૈથાન તરફથી કેટલીક મહિતી મેળવી છે. એ બન્ને સજ્જનોનો આભાર માનું છું.

કિશોરલાલ ઘ. મશરૂવાળા

વર્ધા, ૧૯૪૧