પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


બેસવા માટે બીજી ખુરસી પણ નહોતી, તેથી સાહેબ બહુ જલ્દીથી કામ આટોપી લઈને ઘેર જતા રહ્યા. અને પછીથી સંસ્કૃત કૉલેજના અધ્યક્ષ મિસ્ટર મયેટ સાહેબને પત્ર લખીને વિદ્યાસાગરની વર્તણૂક સબંધી ફરિયાદ કરી. મયેટસાહેબે વિદ્યાસાગર પાસે ખુલાસો માંગ્યો; ત્હેનો જવાબ ઘણો આનંદ જનક છે. ત્હેમણે લખ્યું કે, “હું એક દિવસ કારસાહેબને મળવા ગયો હતો ત્ય્હાંથીજ આગતાસ્વાગતા કરવાની આ રીત શિખી આવ્યો હતો. હું સ્હમજ્યો કે ભારતવાસીઓ અસભ્ય છે. સુધરેલા દેશોમાં કદાચ સત્કાર કરવાની આવીજ રીત હશે. તેથી પ્રસંગ આવ્યે મેં પણ એ શિક્ષણનો ઉપયોગ કરવામાં કાંઈ કંહુસાઈ કરી નથી. એમાં જો મ્હારો કાંઈ અપરાધ થયો હોય તો ત્હેના જવાબદાર કારસાહેબ પોતેજ છે.” અધ્યક્ષ મયેટસાહેબ ત્હેમનો મન યુક્તિ પૂર્ણ જવાબ વાંચીને ઘણા પ્રસન્ન થયા અને કારસાહેબને હુકમ આપ્યો કે ત્હમારે જાતે મળીને વિદ્યાસાગરતી માફી માંગવી. કારસાહેબે આ પ્રમાણે કરીને વિદ્યાસાગરને મનાવી દીધા.

હમે વિદ્યાસાગરના આ આચરણના પૂર્ણ પક્ષપાતી નથી. એમાં વિદ્યાસાગરનાં આત્મ સન્માન અને તેજસ્વિતાના ગુણો સ્પષ્ટ જણાઈ આવે છે, અને ત્હેને હમે વખાણીએ છીએ. પણ સાથે એટલું પણ કહીએ છીએ, शठं प्रति शाठ्यं कुर्यात् ની નીતિ આદર્યા વગર મીઠા શબ્દોથી સાહેબને ઉપદેશ આપીને અથવા રીતસર ઉપરી અમલદાર પાસે પોતાનો વાંધો રજૂ કરીને કારસાહેબને ઠપકો અપાવ્યો હોત તો ત્હેમનું માહાત્મ્ય વિશેષ ઝળકી ઉઠત. પણ વિદ્યાસાગર અનેક ગુણોના સાગર હોવા છતાં પણ આખરે માનવજ હતા, અને માનવને હાથે ભુલ થવાનો સદા સંભવ છે.

ત્ય્હાર પછી કેટલે વખતે કૉલેજની કાર્ય પદ્ધતિ સંબંધમાં એમને કૉલેજના સેક્રેટરી બાબુ રસમયદત્ત સાથે અણબનાવ થયો, તેથી એમણે નોકરી છોડી દીધી. નોકરીતો છોડી પણ ખર્ચ ચાલુજ રહ્યું. એમની તરફથી જે અનાથ બાળકોને ભોજન અપાતું હતું તે