પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રસ્તાવના

દયા અને વિદ્યાના સાગર રૂ૫ મહાત્મા પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર ગુજરાતી વાંચક વર્ગ સમક્ષ રજૂ કરતાં મ્હને આનંદ અને ક્ષોભ ઉભય થાય છે. આનંદ એટલા માટે કે, જે મહાત્મા કેવળ બંગાળીઓને માટે જ નહીં પ૨ન્તુ આખા સભ્ય જગત્‌ના પૂજનીય છે, ત્હેમની પુણ્ય ગાથા ગાવાનો તથા ત્હેમના પવિત્ર અને અનુકરણીય ચરિત્રનો ગુજરાતી પ્રજાને ષત્ કિંચિત ભાસ કરાવવાનો સુયોગ મ્હને પ્રાપ્ત થયો છે. ક્ષોભ એટલા સારૂ કે એમની પ્રતિભા એટલી ઉગ્ર હતી, એમની વિદ્વતા એટલી અગાધ હતી, ત્હેમનું ચારિત્ર્ય એટલું બધું વિશુદ્ધ હતું, ત્હેમની સદ્કાર્યોમાં પ્રવૃતિ એટલી બધી વ્યાપક હતી, કે એમાંના એક અંશને પણ મ્હારા જેવા ક્ષુદ્ર લેખકને હાથે ન્યાય આપી શકાય એ અસંભવિત છે. એ મહાત્માનું જીવન ચરિત્ર તો એમના જ જેવા કોઈ પ્રતિભાવાન, સહૃદય પરોપરી વિદ્વાનને હાથે લખાય તોજ તેમની મહત્તાનો યથાર્થ ચિતાર વાંચકને મળી શકે.

વળી મારા ઉપર બીજો એ પણ આક્ષેપ થવાનો સંભવ છે કે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી દ્વારા એ મહાત્માનું એક વિસ્તૃત જીવન ચરિત્ર પ્રગટ થયેલું હોવા છતાં પણ આ પુસ્તકની શી આવશ્યકતા હતી ! નિઃસંદેહ સ્વર્ગસ્થ રા. કૃપાશંકર દૌલતરામ ત્રવાડીનું લખેલું એ ચરિત્ર ઘણું જ ઉત્તમ છે, અને મહાત્મા વિદ્યાસાગારના ચરિત્રનો વધારે પરિચય મેળવવાની જે વાંચકોને ઇચ્છા થાય ત્હેમને એ ચરિત્ર વાંચવાની મારી ખાસ આગ્રહ પૂર્વક વિનંતિ છે. પરંતુ દિલગીરીની વાત એ છે કે એ પુસ્તકનો પ્રચાર આપણી ભાષામાં ઘણો થોડો થયો છે. મહાત્મા વિદ્યાસાગર ઉપરની મ્હારીરી આંતરિક શ્રદ્ધા ભક્તિ ને લીધે ત્હેમનું એક જીવન ચરિત્ર સસ્તે ભાવે ગુજરાતી વાંચકોને પુરૂં પાડવાની મ્હારી ઇચ્છા હતી અને ત્હેને લીધે આ પ્રયાસ