પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૦

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

પચ્ચીસ વર્ષનાનાં ૭ અને ૨૨ વર્ષના યુવકના આઠ લજ્ઞો થએલાં મળી આવે છે; અને બંગાળી કુલીનોનું નામ બિલકુલ ડુબી ન જાય એટલા માટે એ સૂચીપત્રમાં માતાનું સ્તન્યપાન કરવા યોગ ચાર વર્ષના બાળકને કંઠે ચાર સ્ત્રી રત્ન બાંધેલા જોવામાં આવે છે ! ! પણ સૌથી વધારે આક્ષેપનો વિષય તો એ જ છે, કેળવાએલા બંગાળીઓ પણ આ દુર્ગુણથી બચેલા નથી જણાતા. આ દેશમાં મળી શકતું ઊંચામાં ઊંચા પ્રકારનું ઉદાર પાશ્ચાત્ય શિક્ષણ આપીને, જે લોકો પાસેથી વિશ્વવિદ્યાલયો દેશના સુધારાની આશા રાખે છે ત્હેમાંના દસ બાર ગ્રેજ્યુએટ મહાષયોએ પણ આ રિવાજને પોતાનો આશ્રય આપ્યો છે. ૩ એમ. એ. એલ. એલ. બી.; ૧ બી. એ. એલ. એલ. બી અને બીજા બી. એ. પાસ થયેલા ગ્રેજ્યુએટોએ એક સ્ત્રીની હયાતીમાં ફરીથી લગ્ન કર્યા છે. આપણી આશાના સ્તમ્ભરૂપ ગૃહસ્થો જ્ય્હારે આવું નીંદનીય આચરણ કરે તો પછી આપણે ઉભા રહેવાનું ઠેકાણું જ ક્યાં રહ્યું ? શોક સાથે કહેવું પડે છે કે જ્ય્હાં સૂધી સ્ત્રીઓ ઉપર થતો આવા પ્રકારનો અન્યાય અટકશે નહીં, જ્ય્હાં સૂધી આપણા પક્ષપાત અને અન્યાયને લીધે આપણી સ્ત્રીઓ અને ભગિનીઓ ઘરના ખુણામાં આંસુનો વરસાદ વરસાવતી જ રહેશે ત્ય્હાં સૂધી ભારત વર્ષના ઉદયનો દિન દૂરજ રહેશે.

ઉપરોક્ત બનાવવાનો સ્હેજમાત્ર ઉલ્લેખ વાંચીને આપણું હૃદય દ્રવિત થઈ જાય છે, તો બાલ્યાવસ્થાથી જ સ્ત્રી જાતિને માટે પૂજ્ય ભાવ ધરાવનાર અને તનમનધનથી ત્હેમની સ્થિતિ સુધારવાનું પ્રણ કરનાર દયાળુ વિદ્યાસાગરના ચિત્તને એ બધી ઘટનાઓ નજરો નજર જોતાં કેટલો ઊંડો ઘા લાગ્યો હશે? વિધવાવિવાહનું આંદોલન કરતી વખતે જ ત્હેમણે બહુ વિવાહનો રિવાજ બંધ કરાવવા સંબંધી અરજી આપી હતી પણ એ સમયમાં સિપાહી વિદ્રોહ જાગી ઉઠ્યાથી સરકાર એવી ચોંકી ગઈ હતી કે એકસાથે સુધારાને લાગતા બે વિષયોમાં માથું મારવાનું ત્હેણે સાહસ કર્યું નહીં. વિદ્યાસાગરે પોતાનો આંદોલન