૨૩
દંભીઓની દુનિયા
માનવ સૃષ્ટિ નિર્માણમાં ઈશ્વરનું એ આગવું સર્જન છે. ઈશ્વર સર્જિત તે માનવ જે કાંઇ છે, તેના કરતાં વિશેષ પ્રસ્તુત કરી સૌ કોઇને મોહિત કરવામાં આગવી કલા ધરાવતો હોય છે. મેં હંમેશાં જોયું છે, કહેવાતા નેતાઓ, સત્તાધીશો કે અધિકારીઓ જેટલી વાતોમાં કોમળતા અને નિર્મળતા બતાવે છે, તેટલા તેઓ પોતાની કરજો માટે વાસ્તવિક કોમળ કે નિર્મળ હોતા નથી. કેટલીકવાર ખૂબ શિસ્તનો આગ્રહ રાખનાર લોકો પણ સ્વયં શિસ્તવાદી હોતા નથી. રાહતની ચીજવસ્તુઓ ખરીદવાના કેન્દ્રો પર કતારમાં ઊભેલા લોકો કતાર તોડી આગળ પહોંચી જવા મથામણ કરતા જોવા મળે છે, એવી જ રીતે દેવ મંદિરમાં દર્શનાર્થીઓ કરે છે. રસ્તા પર જીવલેણ અકસ્માતના કારણે પટકાયેલ લોકોના ફોટો ખેંચવામાં જેટલા લોકો ઉત્સુકતા દર્શાવે છે, તેટલા તેની સહાય માટે આગળ આવતા નથી. સેવાના નામે લાખો રૂપિયાનું કલબમાં આંધણ મૂકતાં લોકો પોતાના માતા-પિતાની સમયસર સંભાળ લેતા નથી. કેટલાક પરિવાર પોતાનાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દઇ આવી કલબમાં જોડાઈ સેવાનો ડોળ કરે છે. કેટલાક વક્તાઓ શાંતિ અને શિસ્ત પર ભાષણો આપતા હોય છે, પરંતુ તેવા લોકોને જયારે મળવાનું થાય ત્યારે તેઓ હંમેશાં લાલ-પીળા જ હોય ! ઉદ્ધતાઇ તેમના વ્યવહારનો જાણે વિકલ્પ બની ગયો હોય તેવું તેના વર્તનમાં