પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૩૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અનોખી પ્રતિભા

મારા જીવનકાળ દરમ્યાન મને ઘણી પ્રતિભાઓનાં દર્શન કરવાની તક મળી છે. મૂલ્યવાન મહાનુભાવોને મળવાનો આનંદ ઉઠાવ્યો છે પરંતુ પિતાશ્રીની જીવન શૈલી, સેવાનું સમર્પણ, પોતાના માટેની કોઇ ચોક્કસ ચીજવસ્તુની ક્યારેય માંગણી નહીં. તે જોતાં તેમના માટે ‘અનોખી પ્રતિભા’ શબ્દો જ તેમનું યથાર્થ મૂલ્ય લેખાશે. ૧૯૬૧ માં પાંચ જાન્યુઆરીના રોજ તેમના સરપંચ કાળ દરમ્યાન તે વખતના વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુને પાણીના ટાંકાના ઉદ્‌ઘાટન માટે લઇ આવ્યા હતા. જે તરસમિયા ગામ માટે એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. તેમણે તરસમિયા ગામ માટે પીવાના પાણીની જૂથ યોજના પણ મંજૂર કરાવી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ ગાંધી વડાપ્રધાન થયા. પછી ભાવનગરની પ્રથમ મુલાકાત સમયે, મહાનગરપાલિકાના ટાઉન હોલમાં કૉંગ્રેસી કાર્યકરોને રાજીવ ગાંધીએ સંબોધન કર્યું ત્યારે પિતાશ્રીને મંચ પર બોલાવી વિશેષ સન્માન સાથે બેસાડવામાં આવ્યા હતા. તેમને ચૂંટણી સમયે ઉમેદવારોને આપવામાં આવતી ટિકિટ માટે જુદા-જુદા વિસ્તારમાં પક્ષના નિરીક્ષક તરીકે પાર્ટી તરફથી મોકલવામાં આવતા તેમજ પક્ષની આંતરિક મીટિંગોમાં તેમનો નિયમિત અભિપ્રાય લેવામાં આવતો.