૬
મહારાજની મઢીએ
શિક્ષણ જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા છે. તેનો પ્રારંભ પિંડના
બીજથી થાય છે. વ્યક્તિ ડગલેને પગલે નવું શીખતો રહે છે. બાળપણમાં
બાપુજીના અંગત મિત્ર પરંતુ સાધુનો ભેખ ધારણ કરનાર વલ્લભ મહારાજ એક
મઢીમાં રહેતા હતા. મહારાજની મઢીએ સદ્ગૃહસ્થો ભેગા થઇ ધર્મની વાતો
કરતા. કોઇવાર મહાભારતનું વાંચન પણ થતું. અમારા કાકા દુલાભાઇ
મેઘજીભાઇ મહાભારતનું વાંચન કરવામાં ખૂબ પાવરધા. તેઓ સંગીત લય સાથે
કવિશ્રી પ્રેમાનંદ રચિત મહાભારતનું આગવી શૈલીમાં વાંચન કરતા. આ
દુલાકાકાને બધા ‘ભગત’ તરીકે ઓળખતા. તેઓ શાસ્ત્રોની ઊંડાણથી વાતો
કરતા. હું આ ધર્મ પરિષદમાં નિયમિત હાજરી આપવાનું પસંદ કરતો. વાંચન
બાદ મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા. દરેક પ્રશ્નો વિશે હું બાપુજી સાથે હંમેશાં
પરામર્શ કરતો, જેના કારણે મારી કેળવણી બાલ્યાવસ્થાથી શરૂ થઇ. શિક્ષણ એ
વર્ગખંડમાં મેળવવાની પ્રવિધિ નથી, પરંતુ શિક્ષણ સાર્વત્રિક મળી શકે તેવી
ટંકશાળ છે. જેમાંથી જ્ઞાનશક્તિ ઉદ્ભવે છે. આ શક્તિ જ આજે મને માર્ગદર્શન
પૂરું પાડી રહી છે. મહારાજની મઢીએ શાસ્ત્રોના વાંચન સાથે નિયમિત પધારનાર
સાધુ મહંતોની જ્ઞાનગોષ્ઠિ યોજાતી. કોઇવાર ખાણી-પીણીના કાર્યક્રમો