આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સરઘસ; બેડીઓના ખણખણાટ; દરવાજાના બુરજ પર ગમગીન અવાજે બજતા મૃત્યુડંકા – એ તમામ ગોઝારી ક્રિયાઓમાં અંતરને થિજાવી નાખે એવું એક મૂંગું ગાંભીર્ય ને એવી ઘોરતા હતી, છતાં એમાં એવી એક રસભરી નવીનતા પણ હતી કે જેથી આ રાજકેદીઓની આગલી રાતનો અરેરાટ અને હાહાકાર પ્રભાતના અર્ધા જ કલાક પછી કૌતકરૂપે પલટાઈ ગયો.

આ બધી ક્રિયાવિધિ શી-શી છે તે જાણવાની તેઓને લગની લાગી. પોતાની તુરંગના દરવાજા બીડી દેવાયા એટલું જ નહિ પણ આડા કાળી કામળોના પડદા લટકી ગયા એ તેઓને રુચ્યું નહિ. જેઓ કદાવર હતા તેઓએ પરસાળ પર ઊભા થઈને દીવાલ બહાર દૃષ્ટિ કરી જોયું, મધ્યમ કદના હતા તેઓ પગના અંગૂઠા પર ઊભા રહી નીરખી રહ્યા, ઠીંગણાઓ હતા તેઓ ખુરશી પર ચડીને થાંભલીઓ આડે લપાઈ જોવા લાગ્યા. આ કેદી આવ્યો. આ એને ટોપી પહેરાવી એ જોજો હો, કાન માંડીને સાંભળજો હો ! એ…એ પાટિયાં પડ્યાં : ખલાસ ! ઓહ ! ઓ પ્રભુ ! ઓ ઈશ્વર !

પણ એમ એક જ ફાંસી અપાતાં તો તેઓ સહુ એ બનાવથી એટલી તો સરસ રીતે ટેવાઈ ગયા, કે તેઓએ તે દિવસ સવારનું ભોજન કશી સૂગ અથવા ગમગીની વગર જમી લીધું. રોજની માફક હાસ્ય, ટીખળ, વાર્તાલાપ અને જ્ઞાનો ચાલુ રહ્યાં.

એમ આઠ મહિનામાં તો આઠ જણાને લટકાવવામાં આવ્યા. તેટલામાં તો એ સંસ્કારી પુરુષોએ કેટલી બધી સમતા કેળવી લીધી ! દેહાંતદંડના ઘાતકી કાયદા સામેનું કે વહીવટ સામેનું ઝનૂન નીતરી ગયું. શોચ, દિલગીરી, જીવન-મૃત્યુની ફિલસૂફી, કરુણતા વગેરે બધાં જ હિંસક તત્ત્વો ચાલ્યાં ગયાં. પછી તો આવતી કાલે ફાંસી આપવાની છે એવા સમાચારથી જાણે કશોક રસભર્યો કાર્યક્રમ થવાનો હોય તે જાતની સુંવાળી લાગણી ઉદ્‌ભવતી થઈ. પછી તો પોતાનો પાડોશી દોસ્ત ક્યાંક મુસાફરીએ ચાલ્યો જવાનો છે માટે એને આપણી પાસેની મિષ્ટ ખાદ્ય-સામગ્રીમાંથી એકાદ રકાબી ભરીને મોકલીએ ને એકાદ-બે વાર આપણો સવાર-બપોરનો ચાનાસ્તો પણ પહોંચાડીએ, એવા કોડ થવા લાગ્યા; ને ‘સાલો’ ‘રાક્ષસ જેવો’ જેલર


મૃત્યુની અદબ
93