આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બહાર જવા દીધા પછી પાછો પકડીને લાવવાનો, મારું ટીખળ કરવાનો, સાંજ વેળાને જરી મોજ માણવાનો આ નુખતો તો નહિ હોય ને ?” ફાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા તૈયાર નહોતો. એ દિગ્મૂઢ ઊભો રહ્યો.

પછી સહુએ કહ્યું: “સચમુચ તુમ છૂટ ગયા. તુમ ગભરાઓ મત. યે હાંસી મત સમઝો.”

છ-બાર મહિનાની સજાવાળાઓને પણ છૂટતી વેળા જે હર્ષવેશની કૂદાકૂદ હોય છે, તેમાંનું કશુંયે આ મોતના ઉંબરમાંથી પાછા વળતા ફાંદવાળા ભીલને હૈયે નહોતું થતું. એ પોતે જ પોતાના પિંડ ઉપર નિહાળી રહ્યો હતો – પોતે પોતાને જ જાણે કે પૂછતો હતો કે હું તે જીવતો છું કે મરી ગયેલો ?

બહુ સમજાવટ તેમ જ પંપાળને અંતે એણે મૂંગામૂંગા કપડાં બદલાવ્યાં અને પછી એણે મારી આરપાર બહાર નજર નાખી; બીજી બારીઓની આરપાર જોયું.

કોઈ એને લેવા નહોતું આવ્યું. જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી. આખી દુનિયાએ ત્યજેલાને પણ જે એક ઠેકાણે આદર હોય છે તે ઠેકાણું – તે પરણેલી ઓરતનું હૈયું – ફાંદવાળા ભીલને માટે ઉજ્જડ હતું. કેમ કે એ હૈયામાં કોઈ બીજાનું બિછાનું બન્યું હતું. એ બિછાનાની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપિ નહોતો આવતો, પણ એની બુઢ્‌ઢી, માતા હંમેશની નડતરરૂપ હતી. ફાંદાળા ભીલની ઓરતે પોતાના આશકની મદદથી આ બન્ને નડતરોને એકસામટાં કાઢવા માટે જ સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઠોકાવી દીધો હતો. એટલે હવે ફાંદાળો ભીલ ક્યાં જઈ, કઈ ધરતી પર પગ મૂકશે એ એની મૂંઝવણ હતી.

ભાઈ ફાંદાળા ભીલ ! તું જીવતો જગતમાં જાય છે તે તો ઠીક વાત છે. મને એ વાતનો કશો આનંદ નથી. પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણે: ફાંસી-તુરંગના વૉર્ડરો અત્યારે અહીં વાત કરી રહ્યા છે કે બાપડો ફાંદાળો રોજેરોજ બેઠોબેઠો ભગવાનને વીનવી રહ્યો હતો કે “હે ભગવાન ! મેં મારી માને મારી નથી. માટે જો હું નિર્દોષ હોઉં તો મને


ફાંદાળો ભીલ
97