આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




જેમલાનો કાગળ

જેમલો રાજકેદી ભાઈ પાસે પોતાનું ત્રૈમાસિક પત્તું લખાવવા બેઠો છે. પણ શું લખાવે ? સૂઝતું નથી. લખાવે છે:

“ચોમાસું માથે આવે છે. એકઢાળિયાનાં નળિયાં ચળાવી લેજો, નીકર પાડીને વોડકી (વાછડી) પલળશે. નળિયાં ધરમશી કુંભારનાં લેજો; બીજાનાં લેશો નહિ. ભૂલશો નહિ. એકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહિ. ધરમશી ધીરવાની ના પાડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું –”

પત્તું પૂરેપૂરું ભરાઈ ગયું. જેમલો આટલો જુવાન છતાં વહુને કે છોકરાને મીઠી લાગણીનો એક શબ્દ પણ નથી લખાવતો. એ તો એકઢળિયાની વાત પાંચ વાર ફરી-ફરીને લખાવે છે. ભૂલશો નહિ: ઢીલ કરશો નહિ કેમ કે ચોમાસું માથે આવે છે: મોડું કરશો નહિ: આમાં ગફલત રાખવી નહિ વગેરે, વગેરે.

બીજું કેટલુંક જેમલાને લખાવવું હતું, પણ તે તો રહી ગયું. કડબની ગંજી ઉપર સરખું છજું કરાવવાનું, વાછડીને છાશ પીવાનું પાડીને ખરીમાં જીવડાં પડ્યાં હતાં તેને માથે ઘાસલેટને બદલે જીવડાંની ગંધારી દવા (ફિનાઈલ) ચોપડવાનું: આવુંઆવું લખાવવાનું રહી ગયું. રાજકેદી ભાઈએ છૂટા મોટા અક્ષરો પાડવાની ધૂનમાં એટલું યાદ ન રાખ્યું કે જેમલાનું પતું તો એક નાના પાનાનું પતું હતું. રાજકેદી ભાઈને દૂધિયા નોટ-પેપરની એક જ બાજુએ દર પત્રમાં પંદર શીટ ભરવાની આદત હતી. પ્રત્યેક અક્ષરના ચીપલા મરોડમાં એ પોતાની ઊર્મિ આંકતો હતો એવી એની માન્યતા હતી. પોતે થોડો ચિત્રકાર પણ છે ખરો ને, એટલે વચ્ચે વચ્ચે કાગળમાં ફૂલો


જેમલાનો કાગળ
119