આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભાઈને આપણું એવું સંભારણું આપવું છે કે જેના ભણકારા એને જીવનભર સંભળાતા રહે. દયાળજીની આખરી દુર્બળતા ઉપર હસી પડનાર રાજકેદી ભાઈ, આ તોગાજી સિપાહી મારી વાત સાંભળતો નથી, પણ મને થાય છે કે હવે તો દીવાલને હચમચાવી નાખું, મારા આઠેઆઠ સળિયા બહાર ખેંચી કાઢું ને મિનારા પર જઈ ડંકા પીટવા મંડું. તમારી વિદાયમાં આ મૃત્યુ-ડંકાનું વાજિંત્ર અને મારા જેવી બજાવનારી : એ મોત-ડંકાની અંદર ઓછામાં ઓછા એક હજાર ફાંસી ખાધેલાઓની આહ ગુંજે છે, એના કંદનમાંથી ચાર હજાર બાળકોનો “બાપો ક્યાં ? બાપો ક્યાં ?” એ પ્રશ્ન પોકારી રહેલ છે ને કોણ જાણે કેટલીય માતાઓ પૂછી રહી છે કે “લાશ લેવા ક્યારે આવું ?”


124
જેલ ઓફિસની બારી