આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એ ચોપડીઓ સામે તાકું છું. પવનને બોલાવીને એ ચોપડીઓનાં પાનાં ઉરાડાવી મશ્કરી કરાવું છું. એટલાં બધાં એ ચોપડીનાં ખાનાંની અંદર ખરાં ખાનાં તો આંકેલાં જ નથી ના ! આંસુનાં ટીપાંની સંખ્યા મૂકવાનું ખાનું ક્યાં ? રૂપસંગની દીચરી મરી ગઈ તેનું ખાનું ક્યાં ? મુલાકાત કરતાં-કરતાં રખે રડી પડશે તો પાછળથી ધોકા લાગશે, એવી બીકે ગેમાએ કેટલી વાર પછવાડે જોયા કર્યું તેની નોંધ ક્યાં ? જમાલુદ્દીન મિયાંના દિલના ધબકારા કેટલા ગણા વધી ગયા હતા તેની તો નોંધ જ નહિ ને ?

અંધારે બેઠી બેઠી હું એ આંસુઓને મારા ખોળામાંથી વીણી-વીણીને ગણું છું. અંધારે એ ટીપાં સરોવરની માછલીઓ જેવાં ચોખ્ખાં ચળકે છે. એ અક્કેક ટીપામાં જુદાજુદા આકારો દેખાય છે: કોઈમાં બરધિયા: કોઈમાં ખેતર: કોઈમાં પાંચીકે રમતી નાની દીચરી: કોઈમાં વળી મૂએલી પુત્રીનું મડદું: કોઈમાં કબાલો લેવા ઘેરે આવી ઊભેલો વિકરાળ સંધી: તો કોઈમાં વળી ઘરનાં બે ઠામડાંની જ્પ્તી કરતા સિપાહીદાદા: નદીકાંઠે નાનાં ગામડાં, ગારાનાં ભૂખરાં ખોરડાં, ખોરડામાં પડેલી સુવાવડી બાયડી: એવા તો અપરંપાર આકારો.

આંસુના પ્રત્યેક બિંદુને હું નિહાળી-નિહાળીને જોઉં છું. એ તો મારી રોજની કમાણીનાં રત્નો છે. દિવસવેળા એ ધગધગતા છાંટા પડતાં મારા ખોળાનો ચૂનો પણ ખદખદી જાય છે. છતાં હું ધીરજ ધરીને સહી-સહી સંઘરું છું. પછી એ થીજેલાં ટીપાંની અંદર આખી રાત આવી રીતના આકારો પ્રકટતા જોવાની લહેર આવે છે. મારી એ કમાણી જોઈજોઈ હું છાનીમાની ફુલાઉં છું. ચાલતું હોત તો એ ટીપાંનો હાર પરોવીને મારે સળિયે તોરણ બાંધત. પણ પચાસ વર્ષથી એકઠાં થતાં એ આભરણોને હું ક્યાં સમાવત ! જોઈને કેટલાય લોકો ઈર્ષ્યાથી ફાટી પડત. પેલો સંસી દેનારો કસાઈ કેદી જો જોઈ જાત તો ચોરી કરીને ઉઠાવી જાત. રાતભર મારો ખજાનો નીરખી- નીરખીને પ્રભાતે પાછું જાણે કશું જ બન્યું નથી. મારી કને ગુપ્ત કશી સંપત્તિ નથી – એવી ચાલાકી કરીને હું કેવી ડાહીડમરી થઈ ઊભી રહું છું.


8
જેલ ઓફિસની બારી