આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“હા, હા, મનથી તો હું તારી જ છું ને તારી જ રહીશ.”

હજુ તો હરખાની દસ વરસની ટીપમાંથી નવ જ માસ વીત્યા હતા. સવાનવ વર્ષનો એક મોટો જુગ બાકી હતો, પણ એ સવાનવ વર્ષ એની વહુના મોંની એક જ ફૂંકથી કોઈ ફોતરાંની પેઠે ક્યાંય ઊડી ગયાં. સવાનવ વર્ષની જીવતી કબરમાં દટાયેલો હરખો ‘હું તારી જ રહીશ’ એ વફાઈના વેણ ઉપર થનગની ઊઠ્યો. સમયનું લંબાણ એને મન મિથ્યા બની ગયું. મહાસાગર ઉપર જાણે કે દોટ કાઢીને સામે પાર પહોંચી જવાય તેવો સેતુ બંધાઈ ગયો.

“તું મારી જ રહીશ ?”

“હા, તારી જ છું ને તારી જ રહીશ.”

બસ, હરખાને બીજી શી ચિંતા હતી ? ધાવણું બાળ માતાને ધાવીને મોટું થાય, તેમ હરખો પણ પ્યારની આસ્થાને પોષણે સવાનવ વર્ષ કાપશે. એને કલ્પના પણ ન રહી કે સવાનવ વર્ષમાં તો બીમારી આવશે કે મોતનું બિછાનું પથરાશે. દરમિયાન પેટગુજારાને કારણે પારકી બનેલી પ્રિયા ફરી કદાચ મળવા પણ નહિ આવી શકે, કાંઈ ચિંતા નહિ. હરખો ઢેડો કેદીઓનાં પાયખાનાં સાફ કર્યા જ કરશે, પેશાબની કૂંડીઓ ઉલેચ્યા જ કરશે, મેલાંનાં કૂંડાં પેટીમાં ઠાલવ્યા જ કરશે, મેલાંની પેટી રોજરોજ ખાડામાં દાટ્યા જ કરશે. કંડાંને તથા કૂંડીને ફિનાઈલનાં પોતાં ફેરવ્યા જ કરશે. સવાર-સાંજ રોટલા-દાળ મળશે તે સંડાસોની પછવાડે બેસીને ખાઈ લેશે. એ કોઈને ફરિયાદ નહીં કરે કે હું કોળી છું છતાં મને ઢેડાનું કાં સોંપો ? કામ સોંપ્યું પણ મને પંગતમાંથી જુદો કાં તારવો ? મને તારવ્યો તેય ઠીક, પણ ‘ઢેડા !’ કહી કાં બોલાવો ? મને ‘હરખો’ જ કહો ને !

ના, ના, હરખાને એ વાતની પરવા હવે નથી રહી.

પ્રથમ જ્યારે બૈરીએ પૂછ્યું કે “તને શીનું કામ કરાવે છે ?” ત્યારે હરખો ઝંખવાણો પડી ગયો હતો. એણે નીચું જોઈને જવાબ આપ્યો હતો કે “મેલું સાફ કરવાનું”. પણ ઘેરદાર ઘાઘરાવાળી હરખાની પ્રિયા જરીકે સુગાઈ નહોતી. એણે કહ્યું હતું કે “કાંઈ ફકર નહિ. તું તારે એ કામ કરજે.


હરખો ઢેડો
15