આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરાવીને કેદીઓને મૂળ વતનમાંથી ત્યાં લઈ જવામાં આવતાં. એક વાર ત્યાં આવનારને બનતાં સુધી આ ને આ જિંદગીમાં વતન પાછા ફરવાનું રહેતું જ નહિ. એ સાઈબીરિયન જેલની સજા પામેલાંઓની સંગાથે ટોળાબંધ સગાંવહાલાં પણ ચાલી નીકળતાં ક્યાં સુધી આવતાં ? છેક સરહદના સ્થંભ સુધી. એવી આશાએ આવતાં કે ઘણી વાર રાજા ઝારનો હુકમ એ સીમાસ્થંભ પર આવી પહોંચતો, તેમાં કેટલાંકની સજા માફ થતી, કેટલાંકની કમી થતી. માફી પામેલાઓને ત્યાં ને ત્યાં છોડી મૂકવામાં આવતાં. એ રાજક્ષમાની આજ્ઞામાં પોતાનું સ્વજન કેદી કોઈ પુણ્યબળે ચડી જાય એવી આશાએ ને આશાએ આ સ્વજનો સો ગાઉનો સંગાથ કરતાં; એ સીમાસ્થંભ આગળ કેદીઓને પા કલાકનો વિસામો આપવામાં આવતો.

આહાહાહા ! કેવો ભાગ્યશાળી એ સાઈબીરિયાની સરહદ પરનો સફેદ ઊંચો વિદાય-ખાંભો ! મારા કરતાં તો કેટલો બડો ભાગ્યશાળી ! પાતપોતાનાં સગાંવહાલાંને ભેટીભેટી મળી લેવાની અને ખુશી પડે તે રીતે હૈયાં ઠાલવી નાખવાની છુટ સર્વે કેદીઓને પૂરા પા કલાક સુધી અપાતી હતી ! તે વખતે તો, ઓ વીરા શ્વેત સીમાસ્થંભ ! તારાં ચરણોમાં સેંકડો આંખોનાં આંસુ ઠલવાતાં હતાં. તારી ટાઢાબોળ ઈંટો ઉપર, વતન તરફની તારી બાજુએ, બંદીવાનોની ચૂમીઓ ચોડાતી હતી. હજારો લોકોના હૈયાફટ કકળાટો, નિઃશ્વાસો, કંઠરૂંધનો, આશાનાં છૂંદનો, કલેજાના ભુક્કા, બાળકોની વણસમજી કિકિયારીઓ, જન્મભૂમિને ઘૂંટણિયે પડીને અપાતી મુંગીમૂંગી છેલ્લી વંદનાઓ: અને પછી પંદર જ મિનિટ ખતમ થવાની સાથે જ કોસેક ઘોડેસવારોના કોરડાના ફડાકા સાથે ફરમાવવામાં આવતી વિદાયઃ કેદીઓ સાઈબીરિયાની જીવતી કબરમાં, અને સ્વજનો પાછાં વતન તરફ: વાહ રે ભાઈ શ્વેત ખાંભા! કેટલાં વર્ષ સુધી તને આ બધું ભોજન મળતું જ ગયું! મારી રોજની પંદર મિનિટો કરતાં તારી એ લાંબા ગાળાની પંદર મિનિટોનું મૂલ્ય સહસ્ત્રગણું વિશેષ હતું.

પણ હું તો આડી વાતે ઊતરી ગઈ. હું તો દલબહાદુરને કહેતી હતી કે તારા જેવું જ એક બંદીવાન આ ખાંભા ઉપર પોતાની છેલ્લી ચૂમી મૂકીને


28
જેલ ઑફિસની બારી