આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પેલાં તાજાં ગુલાબો પરનાં ઝકળ-બિન્દુઓ જેવાં
ધીરે... ધીરે... ધીરે... ઝરવા લાગે છે.

તે છતાં સારું જ થયું કે તું એ લાવી હતી.
કેમ કે મારાં સ્વપ્નોને એણે ઝુલાવ્યાં છે.
અને મારાં સ્મરણોને એણે જગાડ્યાં છે.

ભાઈ દલબહાદુર, તું પુરુષ છે; તે ગીત ગાનારી તો હતી સ્ત્રી. તું એક વર્ષે તારી માતાનો મેળાપ પામનાર જન્મકેદી જેમ અઠવાડિયે-અઠવાડિયે મુલાકાતો મેળવનારાઓથી વધુ સુખી છે, તેમ એ પચીસ વર્ષ સુધી પ્રિયજનોનું મોં પણ ન જોઈ શકનાર તરુણી તારા કરતાંય સો ગણી સુખી હતી. આ દુનિયાના સ્નેહ-તાંતણા આ અઠવાડિક મુલાકાતો મેળવનારાઓને ગળે ફાંસીની રસી જેવા બની ગયા છે. કારાવાસની અપર દુનિયામાં પડેલો એનો દેહપિંડ સંસારી પ્રીતિની એ દોરડીના આંચકા ખાતોખાતો દિવસમાં દસ વાર ઝૂરે છે; તું સંસારને દૂર છોડીને અહીંની દુનિયા સાથે એકદિલ થઈ શક્યો છે ખરો, તે છતાં બાર માસે એક દિવસ – એક પ્રહર – એક કલાક એવો આવે છે કે જ્યારે તારી માતાનું દર્શન તને એ જીવતા જગતની યાદ તાજી કરાવી તારા કલેજામાં મીઠી કટારો ભોંકે છે.

પણ કેટલી બડભાગી હતી એ સાઈબીરિયાના કારાગૃહની એકલ સુંદરી ! બંદીવાસના નવા જગત સાથે એનો સાચો જીવનમેળ જામી પડ્યો. પોતાની કોટડીની પછવાડે, પડખે, તેમ જ ઉપરને મેડે જે પાડોશી કેદીઓ રહેતાં, જેનાં મોં જોવાનું નહોતું મળતું, તેની સહુની જોડે ટકોરાની ભાષામાં એ સુંદરી વાતો કરતાં શીખી ગઈ. વચ્ચે ઊભેલી પાકી, પહોળી ને કાળી દીવાલોના પથ્થરો એના સંદેશવાહકો બની ગયા. ટકોરાની ભાષા અરસપરસ દોડાદોડ કરવા લાગી. ટકોરેટકોરે સામસામાં હૃદયદર્શન ચાલુ થયાં. આમ દીવાલના પાષાણોનેય પોતાનાં પાળેલાં કબૂતરો જેવી બનાવી લેનાર એ યુવતીએ કારાગૃહના સત્તાવાળાઓને આખરે હંફાવ્યા ને થોડાં વર્ષો પછી આંગણામાં ફૂલરોપ વાવવાનો હક્ક મેળવ્યો.


30
જેલ ઑફિસની બારી