આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 એક ફટકો – બીજો ફટકો – ત્રીજો, ચોથો અને પાંચમો: રાક્ષસ જેવો લાલિયો ‘ઓય’કારો પણ કરે નહિ એ હું જાણું છું તેની પતરાજી કંઈ કમ નથી. એ જડ જેવો એમ ને એમ અભંગ સમાધિ ચડાવીને ફટકા ઝીલશે.

ભલે ને ઝીલે ! એની જીભ નહિ બોલે, પણ એના ઢીંઢાં કંઈ થોડાં અબોલ રહી શકવાનાં હતાં ! ચરડડડ, ખોભળાં ઉતરડાશે. અંદરથી લોહીની શેડો બહાર આવશે એટલે તો લાલિયો છે તે કરતાં પણ કેવી ભયાનક, કેવો કદરૂપો દેખાશે ! કાળા કલેવર ઉપર લાલ ટશિયાની અને ભરોળોની ભાત પડશે. જોવાની મજા આવશે.

પછી પાંચ નહિ તો દસ ફટકે, ને દસ નહિ તો પંદર ફટકે લાલિયો બેહોશ બની જવાનો. હું તો ઇચ્છું છું કે એ જલદી-જલદી શુદ્ધિ ન ગુમાવી નાખે તો સારું, કેમ કે બેહોશ બની ગયા પછી એને અને ફટકાને શી નિસબત ! જે પીડા ભોગવવાની શુદ્ધિ જ ગુનેગારમાંથી વહી જાય, તે પીડા ઉપજાવવાનું શું ફળ ! પછી પેલા બાપડા મરાઠા મુકાદમના હાથમાં ફટકો લગાવવાનો ઉમંગ પણ શાનો રહેશે ? એની મહેનત પોતાની તાત્કાલિક મજા પૂરતી તો નકામી જશે ના ? કુદરતે મનુષ્યના પિંજરમાં આ બેભાન બની જવાની ગુપ્ત શક્તિ આપીને અમ જેવાંઓને ભારે મુશ્કેલીમાં મૂક્યા છે, ભાઈ ! પછી તો પેલા ગાભાના ઢીંગલામાં ને બેભાન બનેલ લાલિયામાં શો તફાવત ! પછી તો પથ્થરની છીપર પર ઘા કરવા અને લાલિયાનાં ઢીંઢાં ઉપર માર મારવો બન્ને સરખું જ ઠર્યું ને ? ફરક તો ફક્ત ચામડીના ચરડાટ બોલવાનો, માંસના લોચા બહાર નીકળી પડવાનો, બહુબહુ તો અરધો રતલ લોહી ઝરવા પૂરતો જ ને ? મને ખરેખર આ મરાઠા મુકાદમની મોજ મારી જવા વિશે બહુ લાગી આવે છે.

પછી તો લાલિયાને બેભાન હાલતમાં ઉપાડીને ઇસ્પિતાલે લઈ જવામાં આવશે, એનાં ઢીંઢાં ઉપર દવાઓ લગાવાશે, ને આઠ દિવસમાં તો એ હરતો ફરતો પણ થઈ જશે.

પણ એની તો બેભાનીય નામોશીમાં ખપશે. જેલના પ્રજાજનો કંઈ ઓછા વટદાર અને સ્વમાની નથી.


42
જેલ ઓફિસની બારી