આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમૂલખ ઇંજેક્શનનું કામ કરી આપે છે. ‘દાદા ! દાદા !’ કરતો તમારા પગ ઝાલીને બેઠેલો એ દમલેલ કેદી જ્યારે ઓચિંતો તમારા પગનો જરીક જોરદાર સ્પર્શ પામીને ચતોપાટ જઈ પડે છે, ત્યારે મારું જ ચાલતું હોય તો હું બુઢ્‌ઢી, બુઢ્‌ઢી પણ આવીને તમારાં એ ચરણો ચાંપવા બેસી જાઉં એવું મન થઈ આવે છે.

સરસ છે એ રસમ : વિદ્યાલયમાંથી પાસ થઈને સરકારી નોકરી લેનારા એકેએક યુવાન દાક્તરને પ્રથમનાં બે વર્ષ આ જેલનું દવાખાનું ચલાવવું પડે એ પદ્ધતિ મને ભારી પસંદ છે. બે વર્ષની અંદર તો ભાષા પાસાદાર બને અને અમુક ઘાટીલાં રૂવાબી વાક્યો જીભને ટેરવે રમતાં થઈ જાય; દાક્તરની મુખમુદ્રા સૌમ્ય, શાંત અને મરક-મરક હસતી હોવાનો જે ખોટો વહેમ ચાલે છે તેને બદલે ‘અર્ધ ફોજદાર–અર્ધ જેલર’ જેવી વિકરાળ અને લુચ્ચી સિકલ બની જાય : દરદીને પંપાળવા-પટાવવાના જ ઢોંગધતૂરા પેસી ગયા છે તેને બદલે ધાકધમકી અને લાલ આંખો વડે જ અરધું દરદ દબાવી દેવાની શક્તિ પ્રાપ્ત થાય: દવાઓને બદલે નર્યા નિર્મળ જળ વડે જ બીમારી હટાવવાની બાહોશી આવે: અને જીવનમૃત્યુ વિશેની એવી ભવ્ય ફિલસૂફી ભણી લેવાય કે હવે દર્દી જીવ્યો તોય શું મર્યો તોય શું ? એન્ટીફ્લોજેસ્ટીન વાપર્યું હોય તોય શું ને એક કોટડીમાં એને ફગાવી નાખ્યો. તોય શું ? દરદીને મળતું દૂધ તે ખાય તોય શું ને બાપડા પેલા થાકીપાકી લોથ થઈ જતા મુકાદમો આવીને મોડી રાતે એ દૂધનો દૂધપાક કરી જમી જાય તોય શું ? મરી રહેલ બીમાર કેદીને મળવા એનાં દૂરવાસી સગાંવહાલાં વખતસર આવી પહોંચ્યાં તોય શું ને એના ખોળિયાને ફેંકી દીધા બાદ એક કાગળથી ખબર પહોંચાડાવ્યા તોય શું ? દવા, સારવાર, સુધામય શબ્દો, રોગીના તપ્ત લલાટ પર ‘દાક્તર દાદા’નો એક જ કરુણાળુ કરસ્પર્શ, અને આખરે અધૂરાં સાધનોની સારવારથી જિદગીનો ત્રાગડો ન સાંધી શકાતાં એ ‘દાદા ! દાદા !’ કહેતી સુકાતી જીભ ઉપર ઠંડા પાણીની નાની-શી ટોયલી: આવા આવા લાગણીવેડાની કશી જ લપછપ ન રહેવા દેનારાં જેલ-ઇસ્પિતાલનાં જોડ-વર્ષો તમને મુબારક હજો,


46
જેલ ઓફિસની બારી