આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તમે તમારી તબીબીવિદ્યાની સાથે પોલીસવિદ્યાનું તત્ત્વ જોડી શકશો. તમે ખાટી ગયા છો. હો, નૌજવાન દાક્તરસાહેબ !

મને તમારા વિનિપાતની બીક ક્યારે હતી, કહું ? જ્યારે તમે પેલા બે જુવાન રાજકેદીઓની જીવલેણ બીમારીમાં એક માસના અથાક યત્નો માંડ્યા હતા ત્યારે; તમે શરૂમાં સુંવાળું અંતર રાખીને આ દેશભક્તનું રોમેરોમ તમારા હાથની અમૂલખ થાપણ ગણ્યું હતું ત્યારે.

હું ચીસેચીસ પાડતી હતી કે “લપટ્યા, એ અમારા બાંધવ, તમે નક્કી હવે લપટી પડ્યા.”

પણ ત્યાં તો કેદીઓનો રાફડો ફાટ્યો. ઇસ્પિતાલ તો સર્વના હિલનમિલનની છૂપી આશ્રયભૂમિ બની ગઈ. રાજકેદીઓમાં પણ દાદાગીરી કરવા ટેવાયેલાઓ ધરાર-ધણી બની બેઠા. ફૂલોની અધઊઘડી કળીઓ જેવા સુકુમાર કુમારો અને જીવનભરના આજાર આધેડો, અશક્ત બુઢ્ઢાઓ, ગુલાબની પાંદડીઓથી પગ-પાનીઓવાળા લક્ષ્મીનંદનો અને સાઠીકડાં સાથે હોડ કરતાં કલેવરો થકી શોભતા વિદ્વાનો: આવું જંગી દળકટક જ્યારે જેલમાં આવી પહોંચ્યું ત્યારે પછી રસોડામાં તુવેર-મગની દાળ ગભરાઈને જળસ્વરૂપ બની ગઈ. જુવાર-બાજરીના રોટલા કરવતે વેરવા જેવા થઈ રહ્યા. અપચો, ઝાડા, મરડા, ઇત્યાદિની બૂમ બોલી. દૂધભાતના તબીબી ખોરાક માટે ત્રાગાં થવા લાગ્યાં. એ દળકટકમાં જેઓ વડા ગણાતા તેઓનું પ્રયાણ ઇસ્પિતાલના પલંગો તરફ વિના રોગે પણ વધતું જ ગયું. જીવતર ધરીને જેમણે કદી જુવાર-બાજરીનો સ્વાદ જાણ્યો નથી તેવા દૂધમલિયાઓ તમારી સામે હક્કનો અવાજ કાઢતા ઊભા રહ્યા.

ક્યાં પેલા જગલાફગલાની રાંકડી કાકલૂદી, અને ક્યાં આ હક્કદારીના સ્વમાની શબ્દો ! તમારી સામે ખાલી બાટલીઓ હસે છે ! તમારા માથા પર છેક પૂને બેઠેલા હાકેમનો ઓળો હથોડો ઉગામી ઊભેલ છે; અને પેલા જગલાફગલાના લાંબા સહવાસે તમારી જીભને અમુક જાતના વળાંક વળાવ્યા છે. એટલે પછી તો તમારી અકળામણ કંઈક આવા શબ્દોમાં ઉચ્ચાર પામે જ ને !–


દાક્તર દાદા
49