આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સુંદર ફરફરતી સાડીઓમાં લપેટાયેલાં રૂપાળાં ઉપદેશિકા બાઈસાહેબોના ફૂલ ફૂલ જેવા મંડળની સામે એને હાથ જોડાવી ઊભી રાખી, નીચું મોં ઢળાવી, ‘વૈધવ્યનું મહાતમ’ તેમ જ ‘વ્યભિચારનાં માઠાં પરિણામ’ ઉપર સદ્‌બોધ અપાવો. બની શકે તો નરકપુરીમાં વ્યભિચારીઓને મળતી સજાઓ વિશેનાં ચિત્રોના નકશા પણ ઉપદેશક સાહેબો લેતા આવે ને આ પાપણી યુવતીને દિલે ત્રાસ છૂટે તેવો અસરકારક ઉપદેશ સંભળાવે. પશ્ચાત્તાપના અગ્નિમાં એનાં પાપ બળી ભસ્મ બની જાય તે સારુ અનાથગૃહમાંથી એના બાળકને પણ તે ટાણે તેડાવી મંગાવીને મારી પેલી બાજુ હાજર રખાવજો. ઉપદેશમાં અમૃત પીતી-પીતી એ ભ્રષ્ટા પોતાના પેટના એ ‘પાપ’ સામે તાકશે અને ‘એક વાર ! એક વાર મને મારા બાળના ગાલ ચૂમવાની રજા આપો !’ એવા પોકાર કરતી એ બ્રાહ્મણી જ્યારે મારી જાળીનાં ઝીણા કાણાંમાં પોતાની આંગળીઓ ભરાવશે ત્યારે મને કેવો હર્ષ-રોમાંચ થશે, હેં જેલર દાદા !

ઉપદેશક સાહેબ તે વેળા કરડું હાસ્ય કરીને હાકલી ઊઠશે કે ‘હજુ – હજુ તારું પાપ તને આકર્ષી રહ્યું છે, બાઈ ! એને ધિક્કાર દેતાં તું ક્યારે શીખીશ ? આ લે, આ એક ભગવદ્‌ગીતા અને એક રામાયણની ચોપડી. એનું વાચન કર. તારો ઉદ્ધાર થશે.’

બાળકને ચૂમી ભરવાને બદલે ગીતાનું વાચન કરવાનો માર્ગ સૂઝાડાયો છે, પરંતુ આ કુલટાની અવળચંડાઈ કંઈ ઓછી છે ? ‘મારું બાળ ! એક ઘડી મારા હાથમાં આપો ! હું બે મહિનાની વધુ કેદ વેઠીશ. મારા હાથમાં આપો ! અહીં સળિયા પાસે લઈ આવો. એનું મોં મને દેખાડો !’ આવી ચીસો પાડતી આ વિધવા બામણીને ઉપદેશક મહાત્માઓ જ્યારે ‘હોપલેસ’ કહીને પાછી બરાકમાં મોકલાવી દેશે, ત્યારે મારી ખાલી પાંસળીઓમાં આનંદનાં કેવાં ગલગલિયાં થશે ! પવનના સુસવાટા મારા કલેજા સોંસરા સૂસવતા-સૂસવતા સુંદર વાદ્ય વગાડશે.


76
જેલ ઓફિસની બારી