આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ઉપદેશિકા

પદેશિકા બાઈ કેમ આજે નાકનાં ફોરણાં ચડાવીને બેઠાં છે ? ઓરતોની બુરાકમાં આજ શું ઉદ્ધાર કરવામાં કશી અંતરાય પડી ? દર રવિવારે તો ત્યાંથી પૂરા દમામમાં બહાર આવતાં હતાં, ને આજ કેમ સંસાર પરથી મન ખાટું થઈ ગયું છે ?

કિરમજી રંગની, પતંગિયાની પાંખ-શી ફરફરતી એમની સાડી; કાંડે ઘડિયાળ; કપાળે કંકુનો ચાંદલો; પાણીના રેલા જેવી અબોલ અને વેગીલી એમની લૅન્ડો ગાડી, તાજું સ્નાન કરીને, ચા-નાસ્તો જમીને એ જ્યારે રવિવારને પ્રાતઃકાળે જેલની સ્ત્રી-કેદીઓનાં પાપ ધોવા પધારે છે ત્યારે એની સન્મુખ મધુડી ને ઝમકુડી નામની બે સામસામી બાઝીને ઝંટિયાં તોડી નાખનારી વેડવી વાઘરણો હાથ જોડી બેસી જાય છે; ખોટા રૂપિયા પાડનારી જુલેખા અદબ વાળે છે; સગા ધણીનું ખૂન કરીને જન્મટીપ લઈ આવેલી આયેશા, જેણે દેશની એકેએક મોટી સુરંગની જાત્રા કરેલી છે તે પોતાનાં ધોળાં ઝંટિયાં સમારીને આસન વાળે છે. ગાંડી થઈ ગયેલ સીદણ ફાતમા નથી આવતી નથી સલામ ભરતી, એટલે મેટ્રન એને ધોકો લગાવીને બેસારે છે. તેઓને આ ઉપદેશિકા બહેન નીતિ અને ઈશ્વરભક્તિનાં અમૃતવચનો સંભળાવીને અરધા કલાકની પાવની ગંગા વહેવરાવ્યા પછી પોતાનાં પુણ્યશીલનો પ્રભાવ છાંટતાં નીસરી જાય છે. દરવાજો એમની પછવાડે દેવાય છે કે તરત જ મધુડી ઝમકુડીની મલ્લકુસ્તી, ભમરાનું ભોજન કરેલા કૂકડાની છટાથી મંડાઈ જાય છે, જુલેખા બાઈસાહેબનાં ચાંદુડિયાં પાડવા લાગે છે, આયેશા ખડખડાટ હસી પડે છે ચૂડેલ જેવી, અને ફાતમા સીદણની વેદનાભરી ચીસો છેક કોટની બહાર સાંભળીને પહેરેગીરો સ્તબ્ધ બની જાય છે.


ઉપદેશિકા
77