આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




દયાળજી

યાળજી બાપડો જુવાન વાણિયો હતો, પણ એ ચડી ગયેલો પરાક્રમને પંથે. બીજાં નાનાંનાનાં પરાક્રમોની તો ખબર નથી પડી, પણ મોટાં પરાક્રમો એણે બે કર્યા: એક તો કોઈ માશૂક સાથે પ્યારમાં પડીને એના ઉપર પોતાની કમાણી ન્યોછાવર કરવાનું; અને બીજું એ જ માશૂકને ‘રંડી’ કહી એની હત્યા કરવાનું. પોતાની તરફ બેવફાઈ કરનાર ‘રંડી’ – ને જાનથી માર્યાનો કેટલો ગર્વ દયાળજી લેતો હતો તે હું એની મુલાકાતો વખતે જોઈ શકતી. નીચલી કૉર્ટમાં એનું કામ ચાલતું તે દિવસોમાં એની મા એને મળવા આવતી. ચાર-આઠ દહાડે મા દયાળજીના અસ્તરીબંધ કપડાં દેવા અને જૂની જોડ લઈ જવા આવતી ત્યારે હું જોતી કે માના શરીર ઉપરનો સાડલો તો એનો એ અણબદલ્યો અને આઠ-દસ થીંગડાંવાળો જ હોય. બચાડી મારા જેવી જ ડોકરી અને ડાકણરૂપ. કેમ કે રાંડીરાંડ ! ઉપરથી જ ભયાનક; અંદરથી તો એ પણ મારા જેવી જ કાચી છાતીની.

એક વાર એ દયાળજીના સારુ સનલાઈટ સાબુનું એક ચોસલું લઈ આવી. એ સાબુ અમારા ચકોર મુકાદમે ભાંગ્યો, સાબુના પેટમાંથી પાંચ-છ પાવલીઓ નીકળી પડી ! અમારો મુકાદમ, પોતે જાણે કોઈ પારીસ નગરીનાં જવાહરની ચોરી પકડી હોય તેવા તોરથી મલકાયો અને દયાળજીને મોટા નીતિદારની જેમ ઠપકો દેવા લાગ્યો કે “તમે આવી રીતે પૈસા મંગાવીને તમારી સગવડો વધારવા સારુ જેલમાં રુશવતો આપો છો, એટલે બીજા ગરીબ કેદીઓના ઉપર કેવો જુલમ થાય છે એ સમજતા નથી ! જાઓ, જાઓ, તમારી મુલાકાત રદ થાય છે !”

“પણ મને ક્યાં ખબર જ હતી ?” એમ અજાણપણું ધારણ કરીને


88
જેલ ઓફિસની બારી