પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭
જયા-જયન્ત
 


પાપના ઝગમગિયા અંચળા
લોક ઓઢી કે ઉતારી જાય,
એટલે આ અહીંનું પાપમન્દિર.
જૂવો, દર્શન કરો,
ઉતારો કે ઓઢો એ અંચળ.
(દાસીને તીર્થગોર પાપમન્દિરમાં જાય છે, થોડીક વારે વસ્ત્રોને વેણી સમાં કરતી દાસી તથા તીર્થગોર બહાર આવે છે.)

નૃત્યદાસી: (સ્મિત કરતાં કરતાં)

તીર્થગુરુ ! લોક મોહ પામે
એટલું રૂપ ત્ય્હારે છે હજી મ્હારૂં.
મ્હેં માન્યું કે દિવસ આથમ્યો;
સાગરનાં જલ વધે,
તો મ્હારાં પાપ વધે.
પણ આપને કાળાશ અડકી હોય
તો ગુરુજી ! ગંગામાં ધોજો.

તીર્થગોર: અમારે તીર્થવાસીને તે વળી

પાપ શાં ને પુણ્ય શાં ?
(નૃત્યદાસી જાય છે. નીચે પટમાં જયા ને તેજબા સ્નાનશુદ્ધિ કરી આવે છે.)

જયા : હું તો જોગણ બની છું મ્હારા વહાલમની;

વહાલમની,
પ્રેમઆલમની;
હું તો જોગણ બની છું મ્હારા વહાલમની.