પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
જયા-જયન્ત
 

સભાજન રાજકુમારનાં દર્શન લે છે.

મન્ત્રીશ્વર : જાણે લોકલોકનો પ્રભાપુંજ !

એક મહાજન : જાણે રાજપૂર્વજોનો પુણ્યદેહ !

કાવ્યરત્ન : માતાપિતાની પ્રેમજ્યોતની વેલનું

જાણે અયુષ્યમન્તુ દેવપુષ્પ !
બ્રહ્મચારીઓ સહિત બ્રહ્મર્ષિ પધારે છે. રાજારાણી સિંહાસનેથી ઉઠીને સત્કારે છે.

મહીષિ : પધારો, ને પાવન કરો.

બ્રહ્મર્ષિ : ભદ્ર પામો સહુ ભદ્ર જનો.

કાશીરાજ : મહેલને પુણ્યમંડિત કીધો;

તેમ શોભાવો જી સિંહાસનને.
બ્રહ્મર્ષિ સિંહાસને વિરાજે છે. રાજમહીષિને -
દેવિ ! અર્ધ્ય પાદ્ય -

મહીષિ : આ રહ્યાં, આર્યદેવ !

મધુપાર્કનાં એ પંચામૃત.
રાજારાણી બ્રહ્મર્ષિનું મધુપર્કે પૂજન કરે છે.

કાશીરાજ : (અંજલિ કરી રહી)

આજ્ઞા બ્રહ્મર્ષિજી !

બ્રહ્મર્ષિ : જન્મયોગ ફરી ફરી પરીક્ષ્યો,

એક દુષ્યન્તનો પુત્ર હતો,
એક આ રાજકુમારનો છે.