પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૪૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
જયા-જયન્ત
 


સૌન્દર્યવનની આ કુંજોમાં.
નવયૈવના અંગો સરિખડી
શી ફૂલડે ફૂલી છે ફૂલવાડી !
ઓ નિર્જનતાની નિવાસિની !
ત્હારો રસદેવ ક્ય્હાં ?
(વેલઘટામાં ફરે છે. ફૂલવીણતી ને ગાતી શેવતી આવે છે.)

શેવતી : વીણો વીણો ને ફૂલડાંના ફાલ,

ફોરે એવાં હૈયાં, સખિ !
ગૂંથો ગૂંથોને ફૂલડાંની માળ,
ગૂંથો એવાં હૈયાં, સખિ !

કાશીરાજ : (વેલી જૂથની પાછળથી)

અહોહો ! ફૂલદેવીનું જાણે ગીત !
વીણ, બોલે ! વીણ સંસારનાં ફૂલડાં
અનન્તતાના યે ઉઘાડમાં.

શેવતી : સરખી સાહેલી કોઇ વીણવા ન આવે,

વીણું હું વનને અકેલી રે;
વીણું અલબેલી હું ફૂલ ફૂલની વેલી, ને
વીણું ને થાઉં ઘેલી;
હે ! વીણો એવાં ફૂલડાં, સખિ !

કાશીરાજ : એ ટહુકો ! જગતની કોયલ બોલી !

પુષ્પ પુષ્પની પાંદડીમાં