પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
જયા-જયન્ત
 


મ્હારે અન્તર ઉછળે અંકોર,
જીવન ઝોલે ચ્હડે.

જયન્ત : નથી જીવનનો બોલ જયા ! એ,

નથી ટહુકો એ આત્મન્‌નો;
નથી ઉરઝરણાં, એ ભ્રમરમણા;
એ ઘોર ધ્વનિ કંઈ વનવનનો.

જયા : બોલે-બોલે છે શિખરોમાં દેવ,

દેવીઓ હાસ્ય હસે;
મ્હારા અયુષ્યનો અવશેષ
શિખરે ને વગડે વસે.

જયન્ત : નથી જગતનો મન્ત્ર જયા ! એ

નથી ન્હોતરૂં એ અમરોનું;
નથી પ્રભુપ્રેરણા, એ સહુ ભ્રમણા;
એ ઇન્દ્રજાળ કંઈ અસુરોનું.

જયા : બોલે -બોલે છે ગિરિઓમાં મોર

ઢેલડ ટહૂકો કરે;
મ્હારે અન્તર ઉછળે અંકોર,
જીવન ઝોલે ચ્હડે.
મોર ને ઢેલ બોલાવે છે;
જયન્ત ! હું જાઉં છું શિખરોમાં.
(જયા શિખરો ભણી પગલાં વાળે છે.)