પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
જયા-જયન્ત
 


કાશીરાજ : મુજ જીવનની ઓ શકુન્તલા !

એ પાઠ તે ત્‍હમે પઢાવ્યા, કે મ્હેં?
દિલ તો ત્‍હમે લીધું લૂંટીને.

શેવતી : દિલ દઈને દિલ લીધું છે, રાજેન્દ્ર !

હવિ વિના મોક્ષ ન હોય.
શી છે ગિરિદેશની કથા?

કાશીરાજ : દેશ-દેશનો મુગુટ ગિરિદેશ.

એ દેશનો યે લાવ્યો છું મુગટ,
ઓ ઉરનાં દેવિ ! તમ માટે.
રાયરાણીને વલ્કલ દીધાં;
ને તખ્ત છે તે સૂનાં
મ્હારાં મનોરાણીજીને કાજ.

શેવતી : રાજેન્દ્ર ! ક્ય્હાં માંડશો

એ આપણા રાજસિંહાસન ?
ગિરિદેશમાં કે વારાણસીમાં ?

કાશીરાજ : જ્ય્હાં જગત્ શોભના આદેશ દેશે ત્ય્હાં.

શેવતી : મુગટ માથે શોભે,

ને મુગટ ઉપર કલગી વિરાજે.

કાશીરાજ : પણ સ્નેહનાં સિંહાસન

હૃદયની દેવભોમમાં હોય.
મ્હારી વારાણસી તો છે
ઓ દેવિ ! આર્યકુલનું હૃદય.

શેવતી : તો રાજેન્દ્ર ! ચાલો ત્ય્હારે,

જઈશું ત્ય્હાંનાં રાજભવનોમાં ?

કાશીરાજ : આજ નહીં, અક્ષય તૃતિયાએ.

ઉઘડશે આપણા યે તે દિવસે
અક્ષય સુખના ભંડાર.