પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
જયા-જયન્ત
 


શેવતી : બે નયનમાંથી તેજકિરણો પ્રગટે,

ને એ પૂર સંગમ પામી
આત્મા બને એકદૃષ્ટ;
એમ આપણી બંસીઓ યે
સંગમ સાધી થઇ એકબોલ.

કાશીરાજ : બોલાવો હવે બ્રહ્મનાદ, દેવિ !

શેવતી : નથી-નથી આવડતો એ હજી.

કાશીમાં પવિત્ર થઈશ
ત્ય્હારે ભણીશ કો તપેશ્વરીજી પાસે.
આજ તો ઉચ્ચારીશ
પ્રેમનો પરમ ટહુકાર.

કાશીરાજ : સ્નેહનાં તપ -

શેવતી : તપવાની છે જ એ તપશ્ચર્યા

અક્ષય તૃતિયાની અવધ સૂધી તો.
જો, જો, વાયદો ન વીતે હો.
ફૂલડાં કરમાય છે, રાજવી !
વસન્ત બેઠી, ખીલી,
ને વીતી યે જશે.
કોયલ ટહુકે છે વન ભરી;
સુણશો એનો ગેબી ટહુકાર ?
જીવનના નવપલ્લવે પલ્લવેલાં
ઘટા ઘેરી ઘેરી ઘેરાણી છે.