પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૯૫
 

સંસ્કૃતના નાગરી ભાષામાં લેખ હોય ને ચુસ્ત મુસ્લિમ શેરશાહના સિક્કા પર સ્વસ્તિકની છાપ હોય એ જ બતાવે છે કે જેવા અણભરોસા ને અવિશ્વાસ આજે રખાય છે તેવાં પહેલાં નહોતાં. ઇદ ને દિવાળી હિંદુ-મુસ્લિમ બંનેના તહેવાર હતા. હિંદુ-મુસ્લિમ ઐક્યના જ્વલંત ઉદાહરણરૂપ આ નવલત્રયી આમ ગુજરાતી ઐતિહાસિક નવલોમાં આગળી ભાત પાડે છે. ચૌલુક્ય, સોલંકી, ગુપ્ત, મૌર્ય વગેરે વંશના રાજવીઓને કથતી ઐતિહાસિક ગ્રંથાવલિઓ ધૂમકેતુ, ચુનીલાલ વ. શાહ, મુનશી વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યને મળી છે પણ હેમુ જેવી એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખીને એની આસપાસ શેરશાહ અને અકબરનાં ચરિત્રોને ઉપસાવતી વિશિષ્ટ પ્રકારની ઐતિહાસિક નવલત્રયી એ જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાક્ષેત્રે નોંધનીય દેણગી છે.

ઐતિહાસિક તથ્યોને નજર સમક્ષ રાખીને કલાના સત્યનો મહિમા કરતી અને પારસ્પરિક સંધાન દાખવી વાર્તારસને બહોળો-પહોળો-ઊંડો બનાવતી આ ત્રણે ય નવલકથાઓ, ગુજરાતી નવલકથાના આરંભથી જ પ્રાપ્ય બનતી ઇતિહાસરસિક નવલકથાઓમાં નોખી ભાત પાડે છે. ઐતિહાસિક સામગ્રીની વિગતો આપણે યથાપ્રસંગ જોઈ છે અને નવલકથામાં એનું સંયોજન શી રીતે થયું છે, એ પણ પ્રમાણ્યું છે. ઇતિહાસની શુષ્ક વિગતોને કલ્પનાની રંગપૂરણીથી કક્ષામય બનાવવાની જયભિખ્ખુની ગુંજાશ પણ આપણે પ્રસંગોના વિવરણની સાથે થતી આવતી રસસ્થાનોની પરિચયવિધિથી તથા ઇતિહાસનાં તથ્ય અને કલાના સત્યના પારસ્પરિક સંબંધોની શોધવિધિથી પ્રમાણી છે. અવિરત વહેતી અને નવા નવા પ્રવાહોથી પુષ્ટ બનતી નવલકથાની ગતિવિધિ સાથે ‘ઇશ્વરલીલા’નાં ચિત્રો અને જીવંત પાત્રસૃષ્ટિથી વધતા કાર્યવેગનાં દૃષ્ટાંતો પણ આપણે વિગતે તપાસ્યાં છે. ભૂતકાળની ભાવનાઓના સાંપ્રતમાં પણ સ્વીકાર્ય બનતા કે ભવિષ્ય અનિવાર્ય બનતા આદર્શનો મહિમા સ્વીકારી આપણે સર્જકને આર્ષદૃષ્ટા તરીકે ય નવાજ્યા છે. ગુજરાતના ઐતિહાસિક નવલકથા-સાહિત્યમાં સન્માનનીય બનતા જયભિખ્ખુના આ કાર્યની આપણા ઇતિહાસકારોએ કે વિવેચકોએ જરૂર નોંધ લીધી નથી, એટલું સખેદ સ્વીકારી અહીં તો અલમ....