પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

અતૂટ શ્રદ્ધા બંધાઈ છે એવા જયદેવને નોંતરે છે. ભક્તકવિ જયદેવ પાસે એક અદ્ભુત કાવ્ય રચાવવાની પોતાની મનીષા પ્રગટ કરતાં કહે છે, 'પરમ વૈષ્ણવને એક એવા પ્રભુપ્રેમથી છલકાતા કાવ્યની ઝંખના છે. એક એવું કાવ્ય રચો, એવો ભક્તિ-શૃંગારરસ વહેવડાવો, કે યુગેયુગ એમાં તરબોળ બની જાય. વિલાસભૂખ્યાના વિલાસ સમી જાય, કામનાઘેલાની કામના નષ્ટ થાય. તમારી ગિરા અને ગૌડેશ્વરની કવિસભા અમર બની જાય.' (પૃ. ૧૭૭)

કવિ જયદેવની મથામણ ચાલે છે કાવ્યનો વિષય શોધવાની ત્યાં અચાનક એક દિવસે રંગશાળાના નિર્માણને કારણે ઘેર મોડા આવેલા એમની નજર પદ્મા ઉપર પડે છે. પતિની રાહમાં ઉદાસ પદ્માને નિરખીને કવિને પોતાનો કાવ્યવિષય અને એની નાયિકા મળી જાય છે. રાધા-કૃષ્ણના મિલનને વિષય તરીકે પસંદ કરી ભક્તિશૃંગારથી છલકતું 'ગીતગોવિંદ' કવિહાથે રચાતું જાય છે. અંતભાગે લેખિની અટવાય છે. કવિમન કોઈ નિર્ણય લઈ શકતું નથી. એટલે કાવ્ય અપૂર્ણ મૂકી સ્નાન કરવા કવિ જલઘાટે ગયા ત્યારે ખુદ ભગવાને જાતે જયદેવ વેષે આવીને કવિની આ રચના પૂર્ણ કરી. પદ્માના હાથે જયદેવ બનીને પ્રસાદ આરોગતા ભગવાનની જાણ પદ્માને નથી પણ જ્યારે જયદેવ આવે છે અને ભોજન માગે છે ત્યારે જ ખુલાસો થાય છે. કવિ પદ્માને કહે છે, પદ્મા, ઓ સતી સ્ત્રી, તારા લીધે મારું કાવ્ય પવિત્ર થઈ ગયું. એ પામર જયદેવ નહોતો, ભગવાન જગત્પતિ હતા. તેં મને તાર્યો. તારા માટે કરેલી રચના પ્રભુએ સ્વીકારી, મારી રાધા !' (પૃ. ૨૦૦)

લોકોત્તર પ્રેમના આ મહાકાવ્યને નાટ્યરૂપ અપાય છે ગીતગોવિંદ' પ્રકરણમાં (પૃ. ૧૦૬). લેખકની રસિકતા પૂરજોશમાં ખીલી છે. જયદેવ પદ્માના અમર પ્રેમને નિરૂપતું ગીત, નૃત્ય, અભિનય અને દૃશ્ય સામગ્રીથી ભરપૂર 'ગીતગોવિંદ'નું નાટ્યરૂપ લેખકે મન મૂકીને નિરૂપ્યું છે. આ પ્રકરણની લખાવટ જાણે ચલચિત્રાત્મક શૈલી નજર સમક્ષ રાખીને થઈ હોય એવી પ્રબળ છાપ ઊપસે છે. જયદેવના 'ગીતગોવિંદ'ના જ્ઞાતા જયભિખ્ખુનો અહીં આપણને સુરેખ પરિચય સાંપડે છે.

'ગીતગોવિંદ'ની રચના જયદેવને અનુપમ કીર્તિના સ્વામી બનાવે છે.