પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

જેવું સુંદર હતું. ભરત સંદરીને પરણવા ઇચ્છતો હતો પણ મહાન પિતાની મહાન પુત્રીએ એને મોહનું પતંગિયું બની સૌંદર્યની આગમાં ભસ્મીભૂત થતાં રોક્યો અને જગત જીતવાની પ્રેરણા આપી.

ભગવાન ઋષભદેવના સંસારત્યાગ પછી સિંહાસનરૂઢ થયેલા ભરતદેવ સંસ્કૃતિના વિશેષ પ્રચારમાં ઉદ્યુક્ત થયા હતા. મહત્વાકાંક્ષી ભરતદેવે સંસ્કૃતિમાં પછાત, સંસ્કૃતિવિહીન એવા અનેક દેશોને જીતીને સંસ્કૃતિનો અને ઉદ્યમપરાયણ નાગરિકજીવનનો પ્રચાર કર્યો. જીતેલા રાજાઓને મૈત્રીના તાંતણે બાંધ્યા. ગંધા-સિંધુના તટને ફલદ્રૂપ કર્યા. આર્યમ્લેચ્છ રાજાઓને એક કર્યા. પૃથ્વીને એકસૂત્રે સંકલિત કરી.

આ યુદ્ધમાં વિજયાર્ધ પર્વતની ચઢાઈમાં નમિ-વિનમિ નામના પરાક્રમી વિદ્યાધર રાજાઓને પણ એમણે હરાવ્યા. આ રાજાઓએ રૂપરૂપના અંબાર સમી, શક્તિના પુંજ સમી સુભદ્રા નામની કન્યા - જે ખરેખર ચક્રવર્તીને યોગ્ય રત્ન હતું - તેને ભરતદેવ સાથે પરણાવી. જગતવિજેતા બનેલા ચક્રવર્તી ભરતદેવનો પટરાણી સુભદ્રા સાથે નગરપ્રવેશ થાય છે. ત્યાં નવલત્રયીનાં બીજા ભાગમાં ‘ચક્રવર્તી ભરતદેવ’ની કથા વિરમે છે.

પાટનગરી અયોધ્યામાં વિજયોત્સવ ઊજવાય છે. ત્યાંથી આરંભાતી ‘રાજવિદ્રોહ’ની કથા જગતમાં વિશ્વવિજય નહીં પણ આત્મવિજય મહત્ત્વનો છે એ લેખકની પ્રિય ફિલસૂફીનો ઘંટનાદ ગજવીને વિરમે છે. ચક્રવર્તી થવાની મહેચ્છાવાળા ભરતદેવે ઘણાં મોટા રાજ્યો પાસે પોતાની આણ સ્વીકારાવી, પરંતુ એના ભાઈ બાહુબલિએ એને વડીલબંધુ તરીકે આધીન થવાની તૈયારી દર્શાવી, પણ એના ચકવર્તીપણાનો ધરાર અસ્વીકાર કર્યો. ચર્ચાઓ, મંત્રણાઓ અને વિષ્ટિકારોના પ્રયાસ પછી હજારો સૈનિકોનો સંહાર અટકાવવા માટે ભરત અને બાહુબલિએ દ્વંદ્વયુદ્ધનો નિર્ણય કર્યો. આ યુદ્ધમાં ચક્રવર્તી ભરત પરાજય પામ્યો, પરંતુ છેવટનો હુમલો કરતી વેળા બાહુબલિના ચિત્તમાં જ્ઞાનનો ઉદય થયો. સત્તા અને વિજય માટે પોતાના વડીલ બંધુ પર હાથ ઉગામવા બદલ બાહુબલિને ભારે પશ્ચાત્તાપ થયો અને યુદ્ધના વિજયને મૂકીને મોટાભાઈની ક્ષમા યાચી તે આત્મવિજય તરફ વળ્યા. ‘રાજવિદ્રોહ’નું આ મુખ્ય વસ્તુ છે.