પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

શિક્ષા નહોતી. વસુંધરાની ગોદમાં જોઈતું અમૃત, પેય ખાદ્ય અહીં અભરે છલકાતું હતું. સહુને જોઈએ એટલું સહુ લેતું. હતી તો પૃથ્વી પણ સ્વર્ગ જેવી હતી. રંગબેરંગી પંખીઓ અહીં ગીત ગાતાં. વનવગડાનો વાયુ અહીં વેણુ બજાવતો. ભાતભાતનાં પતંગિયાં ફૂલગોટાને ચૂસતાં નિરંતર ઊડ્યાં કરતાં. આકાશમાં આંધી નહોતી ને વાયુમાં તોફાન નહોતું. ઇર્ષ્યાનો ઉગમ નહોતો, (પૃ. ૫, ભગવાન ઋષભદેવ), અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો (પૃ. ૭, ભગવાન ઋષભદેવ)'.

આ નવલત્રયી જે સમયની વાત લઈને આવે છે. એ સમયે માનવજીવન છૂટુંછવાયું વિખરાયેલું હતું. વગડાઉ ફૂલની જેમ એ ખીલતું ને કરમાતું. અનંત જંતુસૃષ્ટિમાં એનું મૂલ્ય એક જંતુથી વિશેષ નહોતું. સૃષ્ટિ એ સમયે બાલપણ વિતાવતી હતી અને માણસ પશુ સમાન હતો. જરૂરિયાતમાંથી જન્મેલી શૂરવીરતાનું પહેલું આત્મજ્ઞાન જે દિવસે એને થયું એ દિવસ એને માટે વિજયોત્સવના આનંદથી ભરપૂર બની ગયો.

સાતમા કુળકર નાભિદેવના સમયમાં પૃથ્વી પર ભારે ફેરફાર થવા માંડ્યા. પૃથ્વી ભોગભૂમિ મટી ગઈ. પડ્યા પડ્યા આજીવિકા પ્રાપ્ત કરવાના દિવસો પૂરા થયા. કર્મભૂમિના ઉદયનો સમય પાકી ગયો. એ સમયે દુઃખના કુંડ સમી સંતપ્ત ધરતી ઉપર માનવીને માનવતાનું પહેલું ભાન ઋષભદેવે કરાવ્યું. એમણે કહ્યું, "માનવમાત્ર પરસ્પર સ્નેહસંબંધથી બંધાય એ મારો આદર્શ છે. આજે યુગલિકોનું એક માનવકુળ કુળ વિનાના બીજા માનવજૂથો સામે વાઘ-વરુની જેમ જૂએ છે. એમને હિંસક સ્પર્ધા સિવાય સહકારની કલ્પના જ નથી. 'વિશ્વ-માત્રનો માન એક છે.' એ મારી ઘોષણા ઠેર ઠેર પ્રસરાવજો.” (પૃ. ૫૭, ‘ભગવાન ઋષભદેવ') અહીં લેખક ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો સંદેશ આપે છે. જૂના ખોખામાં લેખકની ભાવના તો અહીં આમ નવી જ છે.

ભગવાન ઋષભદેવના ચરિત્રમાંથી લેખકને પ્રેરણા મળી છે અર્વાચીન યુગને નવસંદેશ આપવાની. આ સંદેશ તે અરિના હંતાને - વેરીના હણનારને હણવાનો, શત્રુ વિનાનો કોઈ શરીરી હોઈ ન શકે ને યુદ્ધ વિનાનું