પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

એની શોધમાં મદદરૂપ થાય છે. સાચું સુખ માત્ર વિશ્વવિજયથી નહીં પણ આત્મવિજયથી જ મેળવી શકાય છે એ અહીં સૂચવાયું છે. શ્રી અમરચંદ્રજી પણ કહે છે : 'जीस दृष्टिबिन्दु को लेकर कथाकार चला है , इसमें वह सफळ हो निकला है | (प्रस्ताव : પૃ. ૪, 'ચક્રવર્તી ભરતદેવ')

સમર્થ સર્જક માટે કથાવસ્તુ તો એક પ્રાથમિક ઘટક તરીકે જ ઉપયોગી બને છે. પોતાની સર્જનક્ષમતાથી એ વસ્તુવિન્યાસની આગવી ગુંજાશ દાખવે છે અને કૃતિને આસ્વાદક્ષમ બનાવે છે. આછાપાતળા કથાવસ્તુને લઈને રચાયેલી નવલત્રયીનું રૂપ, આગળ ઉપર જોઈ ગયા એવી વિદ્વાનોએ તારવેલી મર્યાદાઓ સ્વીકારીએ તો પણ - જીવનપોષક નવલકથાની લોકપ્રિયતા સિદ્ધ કરે છે એ સરવાળે તો સર્જકની નિરૂપણલક્ષી માવજતનું જ સફળ પરિણામ છે.

મત્સ્યગલાગલ અથવા પ્રેમનું મંદિર :

આજથી પચીસસો વર્ષ પહેલાનાં ઇતિહાસ સમયને કથાનો વિષય બનાવતી 'મત્સ્યગલાગલ' જયભિખ્ખુની એક લોકપ્રિય ઐતિહાસિક નવલકથા છે. એ સમયે ભારતમાં ગણતંત્ર, જનપદ, રાજન્ય ને રાજાનાં રાજ હતાં. અંગ, મગધ, કાશી, કોશલ, વૃજ્જિ, મલ્લ, ચેદિ, વત્સ, કુરુ, પંચાલ, મત્સ્ય, શુસેન, અસ્મક, અવન્તિ, ગાંધાર, કંબોજ આ સોળ જાણીતા મહાજનપદ રાજ્યો હતાં. મગધનો બિંબિસાર ને એના પછી અજાતશત્રુ, કોશલનો પ્રસેનજિત, વત્સનો શતાનિક અને એનો પુત્ર ઉદયન, અને અવન્તિનો પ્રદ્યોત એ બધા એકબીજાને ગળી પોતે સમૃદ્ધ થવા તૈયાર બેઠા હતા. સત્તા અને વૈભવનું એકીકરણ થતાં એક સત્તા બીજી સત્તાની દ્વેષીલી બની હતી અને અંતરમાં એકબીજાને માટે ખાર રાખતી થઈ હતી. વૈશાલીના ગણનાયક ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંના રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં હતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં માત્સ્યી ન્યાય કેવી રીતે પ્રવર્ત્યો અને તેઓ કૌરવ-પાંડવોની પેઠે પોતાની ખાનદાની, તેમ જ અંદરો-અંદરનું સગપણ વિસારી ક્ષાત્રત્વને ભાવિ પતનની દિશામાં કઈ રીતે દોરી ગયા તે લેખકે પ્રસ્તુત નવલકથામાં કથાવસ્તુની સુંદર અને રસમય ગૂંથણી દ્વારા દર્શાવ્યું છે.