પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

બનાવવા, જ્યાં તેમનું અચાનક ભેદી મૃત્યુ થયું. જશવંતસિંહની બે વિધવા પત્નીઓ દ્વારા પાછા વળતાં લાહોરમાં પુત્રોનો જન્મ, એકનું મૃત્યુ અને બીજાને દિલ્હી દરબારનું તેડું, દિલ્હી દરબારમાંથી જોધપુરના ગાદીવારસને છદ્મવેશ ધરી વીર દુર્ગાદાસ દ્વારા ઉપાડી જવું, આ કારણે ઔરંગઝેબ સાથેની દુશ્મનાવટ, પજવણી, મેવાડના રાજા રાજસિંહ દ્વારા અજિતસિંહને મળેલો આશ્રય, ઔરંગઝેબના પુત્ર અકબરશાહ સાથે દુર્ગાદાસે કેળવેલી મૈત્રી, ઔરંગઝેબ સામે અકબરશાહનો વિદ્રોહ, દિલ્હીની શહેનશાહત મેળવવા નીકળેલા લશ્કરમાં ઔરંગઝેબની કૂટનીતિના પરિણામે પડેલી ફાટકૂટ, ભાગલા, દુર્ગાદાસને થયેલો છેતરામણીનો અનુભવ, ફરી પાછી અકબરશાહ સાથે મૈત્રી, બંનેએ મળીને ઔરંગઝેબ વિરુદ્ધ લીધેલો મરાઠાઓનો સાથ વગેરેને ઇતિહાસનો ટેકો છે. આ ઘટનાઓના નિરૂપણ માટે જયભિખ્ખું પોતે જ કહે છે તેમ તેમણે કર્નલ ટોડના રાજસ્થાનનો, ને ઇતિહાસ માટે ઓઝાજી ને સરદેસાઈના ગ્રંથોનો મુખ્યત્વે આધાર લીધો છે. (પ્રસ્તાવના, પૃ. ૬). આ ઉપરાંત બીજા કેટલાક ગ્રંથોએ પણ સામાન્ય છતાં કીમતી માહિતી લેખકને પૂરી પાડી છે.

આ કથામાં જે સ્થળનો ઉલ્લેખ આવે છે એ બૂરો દેવળ મારવાડ, મેવાડ ને અંબર રાજના ત્રિભેટા પર સૂકી નદીને કાંઠે આજે પણ ખંડેર રૂપે મોજૂદ છે. ત્યાંની ભૂમિ રાજકીય હત્યાઓ ને ભયંકર બનાવો માટે જાણીતી છે. બે સગા ભાઈઓ પણ ત્યાં જાય તો એ ભૂમિના પ્રતાપે એક-બીજાના શત્રુ કે હરીફ બની જાય એવો એ ભૂમિનો પ્રતાપ છે. નવલકથાના વસ્તુનું કેન્દ્રબિંદુ આ દેવળ છે એની આસપાસ આ વાર્તા ગૂંથાય છે. એ સ્થળનાં વર્ણનો, જય-પરાજય, ખૂબી-ખામીઓ તો જગજાણીતા છે. આ કથામાં આવતા ઔરંગઝેબ કે દુર્ગાદાસ પણ કંઈ અજાણી વ્યક્તિઓ નથી પણ લેખકની વિશેષતા એ છે કે તેઓ ઘટનાઓના હાર્દમાં ઊતર્યા છે અને ત્યાંથી પોતાનાં પાત્રો માટે વિશ્લેષણ શોધી લાવ્યા છે. સરોવરની સપાટી કરતાં એને તળિયે ગોથું મારવાનું એમને વધુ રુચ્યું છે. એમાંથી અલબત્ત લેખકની કીંમતી જીવનભાવનાને વ્યક્ત કરતી આ કૃતિ આપણને પ્રાપ્ત થઈ છે.

આ નવલકથા જયભિખ્ખુની સામાન્ય રીતે લખાતી ઐતિહાસિક