પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


નવલકથાના આ મુખ્ય કથાવસ્તુની સાથે સાથે ઇતિહાસનું કે ઐતિહાસિક નવલકારોનું જે ઘટના તરફ બહુ ધ્યાન ગયું નથી એવી એક કથાને પણ અહીં જયભિખ્ખુએ સરસ રૂપે વણી લીધી છે. આ ઘટના તે ઔરંગઝેબપુત્ર અને દુર્ગાદાસ અને રજપૂતવીરોની મૈત્રીની. ઇતિહાસથી સહેજ આગળ વધીને જયભિખ્ખુએ અહીં અકબરશાહનું જે પાત્રચિત્રણ કર્યું છે તે એક ઉમદા વિચારવંત અને ભાવનાશીલ રાજવીનું છે. સર્વધર્મપ્રેમી આ શાહજાદાનું સ્વપ્ન મોગલ સલ્તનતની ઇમારતને એવા મજબૂત પાયા ઉપર ખડી કરવાનું હતું કે જેની કાંકરી સો વર્ષે પણ ના ખરે. દુર્ગાદાસની સાથે રહીને એને એ વાતની પ્રતીતિ થાય છે કે હિંદુઓના ઘરમાં રહી, હિંદુઓ સાથે બાખડી બાંધી, હિંદુસ્તાન મોગલો નહિ ભોગવી શકે. મઝહબના નામે રાજકારણે ખોદવા માંડેલી સલ્તનતની ઘોર ખોદાતી અટકે એ એની ઝંખના હતી. દગો જે આપણા રાજકારણનો આત્મા બન્યો છે એ અકબરશાહને રુચતો નથી, અને દગાથી બાદશાહી મેળવવાની વાત આવે છે ત્યારે એ બાદશાહી કરતાં ફકીરીને વધુ પસંદ કરે છે. (પૃ. ૧૬૮)

આ નવલકથા વીર દુર્ગાદાસને નાયકપદે સ્થાપી ભલાઈના પવિત્ર મંદિર સમા મરુભોમના માનવીઓની કથા કહે છે. રાજિયા જેવા નરબંકાએ પોતાના લોહીમાંસ ગઢના ચણતર માટે આનંદથી રાજવીને ભેટ ધર્યાં, ચતરા ગહલોત જેવા માળીએ જ્યાં લોહીનો પરસેવો પાડી અનારની વાડીઓ રચી, રઘુનાથદાસ ભાટી જેવાએ જાતભાઈઓને બચાવવા આલમગીરનું કારાગૃહ પસંદ કર્યું, ને જીવતું મોત માણ્યું, અનૂપસિંહ જેવા કલૈયા કુંવરો અઢાર વર્ષની ઊગતી જુવાનીમાં મહાન પહેલવાનો સામે લડતા મરાયા, દુર્ગાદાસનો પ્રાણ બચાવવા સજ્જનસિંહ જેવાએ પ્રાણાર્પણની તૈયારી બતાવી – એવા ભલાઈના પવિત્ર મંદિર સમી ભૂમી એવા પાપાત્માઓના હાથમાં ગઈ કે રાજકારણનું ‘બૂરો દેવળ’ બની ગઈ. જે દુર્ગાદાસે પોતાનું સર્વસ્વ જે રાજવીને બચાવવા ખર્ચ્યું એ જશવંતસિંહના પુત્ર અજિતસિંહે જ ગાદીપતિ બનીને દુર્ગાદાસને દેશનિકાલની સજા કરી. જાણે ખોળિયાએ જ પ્રાણને ધક્કો મારી બહાર કર્યો ! આ અજિતસિંહ આટલેથી જ ના અટક્યો. જે જગ્યાએ બૂરો દેવળ આવેલું છે એ ભૂમિ ઉપર એકવાર એ રાતવાસો રોકાયો, રાત્રે સરખે સરખા મિત્રોની મહેફિલ જામી. શરાબની શીશીઓ ફૂટી, ખૂબ પીધો-