પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૨૩
 

પિવરાવ્યો. શરાબ પછી સુંદરી જોઈએ જ. અજિતસિંહને એના એક વૈદે એવું રસાયણ ખવડાવ્યું હતું કે સ્ત્રીનો ખપ એને હંમેશ રહેતો. પણ આજે જંગલમાં કોઈ રાણી કે ખવાસણ સાથે નહોતી એટલે મિત્રો ઉપડ્યા, પાસેના ગામના એક ઘરમાંથી બાર વર્ષની પૂનમના ચાંદ જેવી કન્યાને ઉપાડી લાવ્યા. કાચી કળી જેવી આ અસહાય અબળાની દબાયેલી ચીસોથી આ ભૂમિ આખી રાત કંપાયમાન રહી. સવારે જ્યારે એને હોશ આવ્યા અને ભાગવા ગઈ ત્યારે ફરી પાછા રાજસેવકો પાછળ પડ્યા. ત્યાં દુર્ગાદાસનો ભએટો થઈ ગયો. દુર્ગાદાસને જોઈને ડરેલા સેવકોએ સઘળી વાત કરી દીધી. પોતાના હાથે સંસ્કારાયેલા રાજાનું નબળી સંગતે આવેલું આ પરિવર્તન દુર્ગાદાસને વેદનામય બનાવી ગયું અને દુર્ગાદાસે દુઃખતે હૃદયે એ ભૂમિને આખરી સલામ કરી. નવલકથાનું ‘મહાન બલિ’ પ્રકરણ ‘બૂરો દેવળ’ બનેલા આ ભૂમિની ઘરુણ કથા અદ્‌ભૂત શૈલીમાં કહે છે.

‘બૂરો દેવળ’ શીર્ષક નવલકથામાં એક કરતાં વધારે અર્થનું સૂચક છે. આ નવલકથાનું કથાવસ્તુ જેની આસપાસ ગૂંથાયું એવું સ્થળ જે આજે પણ મેવાડ, મારવાડ અને અંબરની ભૂમિ ઉપર મોજૂદ છે એ અર્થમાં શીર્ષકનામ છે. બીજી રીતે જોઈએ તો ‘બૂરો દેવળ’ રૂપક પણ છે. આ નવલકથામાં જે ભૂમિની વાત થઈ છે એ મારવાડની ધરતી પવિત્ર દેવમંદિર સમી હતી પણ એ દેવમંદિર સમી ધરતીનું અજિતસિંહ જેવા લંપટ, સ્વાર્થી રાજવીઓને કારણે એવું અધઃપતન થયું કે એ ધરતી ‘બૂરો દેવળ’ બની ગઈ. રાજકારણ પણ અહીં ‘બૂરો દેવળ’ના અર્થમાં સૂચવાયું છે. જયભિખ્ખુ ઔરંગઝેબના સંદર્ભમાં આ ર્થ નવલકથામાં સૂચવે છે, ‘રાજકારણને મજહબની શાન સમજીને, એ ખાતર ફકીરના મનોભાવોને વેગળા મૂકીને સલ્તનતને બંદગીનું પવિત્ર મથક સમજીને અંદર પડેલા આલમગીરને રાજકારણી જિંદગી હવે બૂરો દેવળ સમી ભાસતી હતી.’ (પૃ. ૧૮૫)

જયભિખ્ખુની નવલકથાઓ મોટે ભાગે ઉદ્દેશપ્રધાન હોય છે. નવલકથાકાર કોઈ ને કોઈ ભાવનાને મુખરૂપ આપવા જ કૃતિ સર્જે છે. આ નવલકથાનું વાચન પણ લેખકચિત્તમાં પડેલી કેટલીક ઉદાત્ત ચેતનાને શબ્દરૂપ આપે છે. જેમકે લેખકને આ નવલકથા દ્વારા આવું સૂચવવું છે :