પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

રીતે પોતે ઘડેલા નિયમો પાળતા. આ લોકો સ્વીકારતા કે ગણશાસનનું મૂળ શમ છે – શાન્તિ છે. માત્ર સૈનિકોના પરાક્રમથી ગણશાસનનો આદર્શ સિદ્ધ થતો નથી. વળી તેઓ એ પણ સ્વીકારતા કે ગણશાસનમાં સદાકાળ એક વ્યક્તિ સર્વોપરી ન હોઈ શકે. વર્ણ, જાતિ, જન્મ કે કુલની બાબતમાં સર્વ સમાન હતા. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના અહિંસા, સત્ય વગેરે પંચશીલ માટે આ ભૂમિ બહુ અનુકૂળ હતી. પ્રજાતંત્રના લોકો અહિંસા પર શ્રદ્ધા રાખતા, સાથે પોતાની વીરતા માટે અભિમાન રાખતા ને હારવાને બદલે મારવાનું વધુ પસંદ કરતા.

આ પ્રજાતંત્રો અને તેની બળવાન પ્રજા કોઈ રીતે વશ થાય તેમ નહોતા તેથી તેઓનો નાશ કૂટનીતિ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રજાતંત્રો કોઈ રીતે તૂટે તેમ ન હોવાનો અનુભવ થવાથી અજાતશત્રુએ પ્રતિજ્ઞા કરી કે હું આ લોકોને અનીતિમાર્ગમાં ફસાવી દઈશ, તેઓમાં કુસંપ કરાવીશ, ગુપ્તચરો દ્વારા એમનામાં ભેદ કરાવીશ - પછી જોઉં છું કે તેઓ કેમ વશ થતા નથી ?

પ્રજાતંત્ર રાજ્યોની મૂળ તાકાત એમની એકતામાં હતી. આપસમાં કુસંપ થવાથી એ શક્તિ નષ્ટ થઈ. ગુપ્તચરો, ગણિકાઓ અને વેશ્યાઓએ એમાં ખૂબ સાથ આપ્યો. વિલાસે એની જડ ઢીલી કરી નાખી. ગણતંત્રોને તોડવાનું કામ મગધનાજ અજાતશત્રુ અને તેના કૂટનીતિજ્ઞ મંત્રી વર્ષકારે શરૂ કર્યું અને એનો પૂરેપૂરો નાશ સમ્રાટ ચંદ્રગુપ્ત અને એના મહાકૂટનીતિજ્ઞ મહાઅમાત્ય ચાણક્યે કર્યો.

જયભિખ્ખુની ‘શત્રુ કે અજાતશત્રુ’ નવલકથાના આલેખનને તપાસતા પહેલાં આટલી ઇતિહાસભૂમિકા રજૂ કરવી એટલા માટે અનિવાર્ય લાગે છે કે લેખકનાં વિષયવસ્તુની ચોકસાઈ તથા માર્મિકતા પામવા માટે એ તમામ સામગ્રી સહાયભૂત બની રહે એમ છે. ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથા પાત્રપ્રસંગના આલેખનમાં તેના સમયના વાતાવરણને લક્ષમાં રાખીને એટલી હદે નવલકથામાં કલ્પનાતત્ત્વ ઉમેરે છે અને એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને કેટલો ઉપકારક થાય છે, એનો મહિમા તપાસી શકાય એ હેતુથી આ ઇતિહાસભૂમિકા રજૂ કરવી જરૂરી લાગી છે.