પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૬૩
 

અજાતશત્રુનું સળંગ કારુણ્ય, ગૌણ પાત્રો - ગણનાયક ચેટક, મહામંત્રી વર્ષકાર, આદિ - નું સફળ આલેખન, મદ્યસીંચ્યા કેશકલાપમાં શક્તિદાયક મધુગોલક, વૈશાલીની છંદશલાકાઓ, તેજોલેશ્યા અને શીતલેશ્યાનો પ્રભાવ - ભવિષ્યકથન, નેત્ર કે મંત્રની શક્તિ, મહાશિલાકંટક અને રથમૂશલ જેવા યુદ્ધયંત્રો - ધર્માચાર્યો અને ગણિકાઓનો રાજકારણમાં વ્યાપક ઉપયોગ આદિ દ્વારા તત્કાલીન વાતાવરણની જમાવટ, ગજ સેચનકનું મૃત્યુ, ફાલ્ગુની - વર્ષકારનું વૈશાલીને છિન્નભિન્ન કરીને ભાગી જવું, મુનિ વેલાફૂલનું સમર્પણ, ફાલ્ગુનીનું સેવામૂર્તિ સ્વરૂપે વિકસવું આદિ આ નવલકથાના આકર્ષક સફળ પાસાં ગણાય.” (પૃ. ૬૩, કાર્યવાહી ૧૯૬૧).

નવલકથાકારે ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેના તફાવતને કથામાં ખૂબ જ આકર્ષક રીતે ગૂંથી લીધો છે. પ્રસ્તાવનામાં પણ એ ભેદ સવિગતે બતાવવાનું લેખક ચૂકતા નથી. બંને વચ્ચેનો પાયાનો ભેદ જે આ નવલકથામાં અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરેલો જોવા મળે છે. તેને પ્રસ્તાવનાના આરંભમાં જ બતાવતાં તેઓ કહે છે :

‘ગણશાસનનું મૂળ શમ છે – શાંતિ છે.
સામ્રાજ્યનું મૂળ બળ છે - યુદ્ધ છે.’
(પૂર્વભૂમિકા, પૃ. ૯, બા. ૧)

નવલકથાના આરંભમાં જ સામ્રાજ્યવાદી પણ ગણતંત્રને અંતરથી ચાહનાર અને ગણતંત્રના સારા અંશોને રાજ્યતંત્રમાં ભેળવી એક આદર્શ નમૂનેદાર રાજ્ય સ્થાપવાની ઝંખના સેવનાર બિંબિસારનું ચિત્ર લેખકે સરસ રીતે ઉપસાવ્યું છે. લેખક સ્થળે સ્થળે ગણતંત્ર અને રાજતંત્ર વચ્ચેનો ભેદ પ્રગટ કરે છે, જેમ કે -

'રાજતંત્રમાં એક સિંહ અને બાકી બધા અનુચરો ! ગણતંત્રમાં બધા ય સિંહો, અનુચરતામાં કોઈ માને નહિ ! રાજતંત્રમાં લાખ મરો પણ લાખનો પાલનહાર ન મરો, ત્યારે ગણતંત્રમાં એક ભલે મરો, લાખ જીવવા જોઈએ. બહુજનસુખાય, બહુમતિનું અહીં રાજ !' (પૃ. ૧૬૫, ભા. ૧)

તો અન્યત્ર રાજતંત્રની વિશેષતા વર્ણવતા લેખક સૂચવે છે :