પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૮
 

એમણે કોઈના મુખે જ એ વર્ણવ્યું છે. કુરુક્ષેત્રનું આખું યુદ્ધ રાજ્યશ્રીને આવતા સ્વપ્નરૂપે વર્ણવાયું છે. માત્ર અશ્વત્થામા દ્વારા પાંડવસેનાની થતી ખુવારી લેખકે યુદ્ધના વરવા ચિત્રરૂપે ઉપસાવી છે. એટલે યુદ્ધમાંથી જન્મતો વીર અહીં છે ખરો પણ તે રંગોળીમાંના રંગછાંટણાં તરીકે. કથામાં સર્વત્ર તો પથરાઈ રહે છે શાંતનો અહાલેક. કથાના નાયક જો નેમિનાથને ગણીએ તો એમણે તો છેક બચપણથી જ પ્રીતનો, અધ્યાત્મનો, અવૈરનો સંદેશ ગુંજતો કર્યો છે.

નવલકથા-આલેખન પદ્ધતિ માટે સર્જકે વિવિધ પ્રયુક્તિઓ કામમાં લીધી છે. વર્ણન દ્વારા, સંવાદ દ્વારા, પ્રત્યક્ષ કથન દ્વારા, ક્યારેક કથકરૂપે કોઈ પાત્રને ઉમેરી એના દ્વારા લેખક નવલકથા નિરૂપે છે. કથનની સરસતા માટે પદ્યનો પણ ઉપયોગ કર્યો છે. જેમકે રાજ્યશ્રીના નેમવિરહની પ્રણયવેદનાના મનોભાવ વ્યક્ત કરવા સખીઓ બારમાસી ગાય છે. (પૃ. ૩૯૭, ભા. ૨). ભાવ ત્યાં સઘન બનીને ઊર્મિનું રૂપ ધારે છે. એ જ રીતે રાજ્યશ્રી નેમને પ્રેમપત્ર લખે છે એ પણ પદ્યમાં છે. રાજ્યશ્રીએ સ્વપ્નમાં કરેલું ભારતદર્શન નિરૂપણની એક વિશિષ્ટ પદ્ધતિનું સૂચક છે. ગોવર્ધનરામના 'સરસ્વતીચંદ્ર'ની કુમુદની જેમ આ નવલકથાની નાયિકા રાજ્યશ્રી તંદ્રામાં સ્વપ્નમાં મહાભારતનું - કુરુક્ષેત્રનું યુદ્ધ નિહાળે છે. એના મુખે નિરૂપાતી યુદ્ધકથા નવલકથા-આલેખનની એક વિશિષ્ટ પદ્ધતિ છે.

નવલકથાકારે દૃષ્ટાંતકથાઓ, આડકથાઓ યોજીને પણ પોતાના કથનને સચોટ બનાવ્યું છે. કેટલીકવાર કથનની સચોટતા માટે લેખક કેટલાક દૃષ્ટાંતરૂપ પ્રસંગો પણ નવલકથામાં વણી લે છે, જેમ કે નેમનાથને સત્રાજિત યાદવે આપવા ધારેલો મણિ લઈને કેટલાક યાદવો નેમનાથ પાસે આવે છે તેને મણિ લેવા સમજાવે છે. સાથે સાથે એક ક્ષત્રિય રાજવીપુત્ર તરીકે યાદવોના નેતા કૃષ્ણને હઠાવીને એણે રાજવીપદ લેવું જોઈએ એ માટેની ખટપટ પણ શીખવે છે. નેમનાથને રાજખટપટનું આ ઝેર પસંદ નથી. એ સમયે એની નજર ત્યાં એક ઘણો સમય ઘાણી ઉપર રહેલા અને એને કારણે જેના શરીર પર કાંધ પડી ગઈ છે એવા બળદ ઉપર જાય છે. કાંધમાંથી માંસ અને પરુ નીકળે છે જેની ઉજાણી કરવા કાગડાનો સમૂહ