પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

સ્મશાન એ નવજીવનનું પ્રવેશદ્વાર (પૃ. ૧૬૭, ભા. ૧), શૈલીપ્રયોગની ચમત્કૃતિ વ્યક્ત કરતો ભાષાપ્રયોગ - પગનો ભડકો માથે અડ્યો ને તેમાંથી ભયંકર હુંકાર જાગ્યો (પૃ. ૧૮૧, ભા. ૧). કે પછી ‘આ ગોપચાળો તો મીરકીથી પણ ભૂંડો રોગચાળો છે.’ (પૃ. ૧૮૨, ભા. ૧), કમલદત્ત જેવાં નયનોમાં ઊજાગરાના કંકુ વેરાયા (પૃ. ૧૮૩, ભા. ૧), હું તમને મનનું દૂધ આપીશ, અમૃત જેવી ભાવનાની ખેતી આપીશ. (પૃ. ૨૦૯, ભા. ૧), ફિલસૂફી તો મીણના મીંડા જેવી છે (પૃ. ૨૬૬, ભા. ૧), ભક્તિને વળી વિભક્તિ કેવી ? મારે તો મનના ભાવ પ્રકટ કરવા છે ને ? (પૃ. ૪૦૪, ભા. ૨), યુવાનીમાં શરમ એ ઢાલ છે ને આંખ એ તલવાર છે. (પૃ. ૪૮૬, ભા. ૨) મનના મોર અપમતિયા હોય છે (શબ્દપ્રયોગ), મૃગ કસ્તુરી મૂકેએવી શબ્દાવલિ હતી (સરસકલ્પના, પૃ. ૪૯૫, ભા. ર), યુવાની સહુના જીવનબાગમાં અચૂક આવે છે. આવીને દેહના ગજરાને દીપાવે છે. (પૃ. ૪૯૫, ભા. ૨), શાલી (ડાંગર) (પૃ. ૧૭૫, ભા. ૧) કે પછી આખેટ (શિકાર) (પૃ. ૧૬૭, ભા. ૧) જેવા અજાણ્યા શબ્દો જ્યાં લેખકે વાપર્યા છે ત્યાં એના અર્થ પણ એ આપે છે.

દેશની અને આત્માની આઝાદીને વર્ણવતી આ કથા જયભિખ્ખુની કૃતિઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.

‘લોખંડી ખાખનાં ફૂલ’, ભા. ૧, ૨ :

૬૬૦ પૃષ્ઠો અને બે ભાગમાં પથરાયેલી ‘લોખંડી ખાખનાં ફૂલ’ શ્રી જયભિખ્ખુની પ્રસ્તારયુક્ત ઐતિહાસિક નવલકથાઓમાં લોકપ્રિય તથા એમાંના કેટલાક કથાંશને કારણે ચર્ચાસ્પદ બનેલી કૃતિ છે. આજથી લગભગ બે હજાર વર્ષ પહેલાના સમયને કથાવિષય બનાવતી પ્રસ્તુત નવલકથા ઇતિહાસમાં બહુ પ્રચલિત નહીં એવી પણ લેખકદૃષ્ટિએ નોંધપાત્ર નીવડેલી ઘટનાને ધ્યાનમાં રાખીને રચાઈ છે. ઇતિહાસનો તંતુ એમાં આછોપાતળો છે. જૈન કથાનકોમાં પ્રચલિત કથાંશને ઉપયોગમાં લઈને લખાયેલી આ કૃતિ એક સિંહપુરુષ ધર્માચાર્યની વાત વર્ણવે છે, જેણે એક અમાનુષી, ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય, અત્યાચારને દૂર કરીને ધર્મની ગયેલી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરી હતી.