પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

સત્તાશાળી બળવાન રાજા ગર્દભિલ્લ સામે લડવા કોઈએ હિંમત બતાવી નહીં.

આખરે ધર્મરક્ષા ખાતર એમણે પરદેશી શાસનની મદદ સ્વીકારી. ઈ. સ. પૂ. ૧૨૦-૧૧૫ની આસપાસ સિંધમાં આવીને વસેલા શકોને પોતાની શક્તિ અને વિદ્વત્તા દ્વારા રીઝવ્યા. જોગાનુજોગ એવું બન્યું કે જે શકરાજના તેઓ અતિથિ બન્યા હતા એમની ઉપર અને એમના જેવા બીજા ૯૫ ખંડિયા રાજાઓ ઉપર શક શહેનશાહતનો કોપ ઉતર્યો. આ સર્વે રાજવીઓને શહેનશાહી કોપમાંથી બચાવી આર્ય કાલક ભારતમાં લાવ્યા. એમની સહાયથી સૌરાષ્ટ્ર કબજે કર્યું ને પછી ઉજ્જૈન ઉપર હલ્લો કર્યો. મુખ્યત્વે કાલકની કુનેહ તથા યુદ્ધકૌશલથી રાજા ગર્દભિલ્લ હાર્યો અને કેદ પકડાયો. અહિંસાપ્રેમી ધર્માચાર્યે ગર્દભિલ્લને એનાં પાપકર્મોની શિક્ષા કરવા મૃત્યુદંડ દેવાને બદલે ક્ષમા દઈને ત્યજી દીધો. શકરાજને અવંતીનું રાજ્ય સોંપી પોતે પોતાનો સાધુધર્મ ચરિતાર્થ કરવા નીકળી પડ્યા.

ઇતિહાસની ઉપર્યુક્ત ઘટનાને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ નવલકથા આરંભાય છે મંત્રતંત્ર વિદ્યાના ઉપાસક મહાગુરુ માઘના આશ્રમમાં વિદ્યા ભણતા સુકુમાર, તેજસ્વી કાલક-સરસ્વતી, દર્પણ-અંબુજાના સ્નેહાદરભર્યા કિલ્લોલથી. ભાઈ-બહેનની આ બે જોડી ઉપર ગુરુને વહાલ છે. મંત્રવિદ્યાની ઘણી સિદ્ધિ કાલક-દર્પણે મેળવી છે. દર્પણ જે ક્ષત્રપક્ષત્રિય યુવાન છે અને જેની પાસે વારસાગત એવી આમ્નાય ગર્દભિલ્લ વિદ્યા છે, એ ગુરુ આજ્ઞાથી એક દિવસ ગુરુ, કાલક, અંબુજા, સરસ્વતી વગેરેની સામે આ વિદ્યા કેવી શક્તિશાળી છે એનો પ્રત્યક્ષ પ્રયોગ કરે છે. ગર્દભિલ્લ વિદ્યાના મંત્રો ભણતાની સાથે જ ગુરુ, કાલક, સરસ્વતી, અંબુજા સહિત સમગ્ર જીવંત સૃષ્ટિ એક પ્રકારનો ત્રાસ અનુભવે છે. આ ત્રાસની પરાકાષ્ઠાના સમયે અચાનક આવી પડતા એક જૈન મુનિ કેટલાક સાદા ભક્તિમંત્રો બોલીને સૃષ્ટિને શાંત બનાવે છે. મહાગુરુ માઘને આ જૈન મુનિ અને એમના ભક્તિમત્રો સામે દ્વેષ છે. એમને મુનિનું આગમન રુચતું નથી પણ મુનિ તો આવીને દર્પણ, કાલક વગેરેને એક પ્રશ્ન પૂછે છે, ‘તમારી શક્તિ સો હાથીને સંહારી શકે, પણ મરેલી એક કીડીને જીવિત કરી શકે ખરી ?’ (પૃ. ૫૦, ભા. ૧). એનો